ધંધૂકામાં યુવાનના હત્યા પ્રકરણ બાદ કઠલાલ શહેરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
- ગામ વિસ્તારનું બજાર બંધ : પથ્થરમારાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- સોશિયલ મિડિયામાં વિડિયો મુકવા મામલે બે જૂથો હથિયારો સાથે આમને સામને આવી જતા તંગદિલી : બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
એક મળતી માહિતી મુજબ પત્થરમારા દરમ્યાન એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે અને આ કારણે વાતાવરણમાં તંગદીલી ફેલાઇ હતી. જિલ્લા પોલીસે દરમ્યાનગીરી કરી બંને કોમના લોકો પાસે મીટીંગ યોજી હોવાનું પણ જાણવા મળ્યું છે. રવિવારે શહેરમાં અંજપાભરી શાંતિ રહી હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થોડા દિવસો અગાઉ વિધર્મીઓ દ્વારા ભરવાડ યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી. આ મામલો રાજ્યવ્યાપી બન્યો છે અને ઠેર ઠેર આ બનાવને વખોડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે મોડી રાત્રે નવ વાગ્યાની આસપાસ કઠલાલમાં સોશ્યલ મીડીયામાં આ બાબતનો વિડિયો અપલોડ કરવા બાબતે બે જૂથ વચ્ચે છમકલું થયું હતું. આ બાબતે બંને કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો અને વાતાવરણ તંગ બન્યુ હતું. આ મામલે સ્થાનિક પોલીસે તરત જ જિલ્લા પોલીસ, એસઓજી અને એલસીબી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો કઠલાલ ખાતે ઉતરી પડયો હતો. જો કે આ બનાવના પગલે ફટાફટ ગામના બજારો બંધ થવા માંડયા હતા. અને થોડા સમયમાં જ ગામમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.આ બાબતે જિલ્લા પોલીસે મામલો થાળે પાડવા માટે બંને સમાજના આગેવાનોને બોલાવી મીટીંગ યોજી હતી. જેમાં બંને સમાજના ૫૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે આગેવાનો સાથે ચર્ચા કરી ગામમાં શાંતિ રાખવા અપીલ કરી હતી.આ બનાવ અંગે બંને કોમના ૪-૫ વ્યક્તિઓ વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે રાત્રે બાર વાગ્યે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કઠલાલના ભાવસારવાડમાં રહેતા જ્યોતીન્દ્રભાઇ ઉર્ફે જય ભાવસારે કરેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગામના ચૌહાણવાડ, વ્હોરવાડમાં રહેતા આસીફ સફીભાઇ કારીગર, અનિસ મહંમદમીયાં ચૌહાણ, જીગર વ્હોરા અને સાદિલ સિરાજ વ્હોરાએ એકસંપ થઇ વિડિયો અપલોડ કરવા બાબતે તલવાર અન ેલાકડીથી હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી જયે આ ચારેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે આસીફ યાકુબભાઇ વ્હોરાની ફરિયાદ મુજબ પિન્ટુભાઇ રબારી, અમિતભાઇ બારૈયા, અમિતભાઇ વ્યાસ, જૈમીન ભાવસાર, અને અક્ષયભાઇ રબારીએ વીડિયો અપલોડ બાબતે લાકડી અને ડંડાથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બાબતે આ પાંચેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે કઠલાલ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ કઠલાલમાં કર્ફ્યુ જેવો માહોલ છે. બજારો સવારથી બંધ રહ્યા છે. જેને કારણે કઠલાલમાં શાંતિ પ્રવર્તી છે.
જિલ્લા પોલીસ અધિકારી કઠલાલ પહોંચ્યાં
કઠલાલમાં ગઇકાલે રાત્રે થયેલ છમકલા બાદ જિલ્લા પોલીસ અધિકારી અર્પિતા પટેલે કઠલાલ ખાતે શાંતિ સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને બંને કોમના આગેવાનોને સોશ્યલ મીડીયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કહ્યું હતું. ઉપરાંત ગામમાં શાંતિ જળળાય તે માટે સુલેહ જાળવવા અપીલ કરી હતી.
સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ
ધંધુકામાં થયેલ ભરવાડના મર્ડર કેસ બાબતે કઠલાલમાં ગઇ રાત્રે થયેલ જૂથ અથડામણમાં સામસામે પત્થરમારો થયો હતો. જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામના અક્ષય રબારી અને ફરિયાદી જ્યોતિન્દ્ર ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પ્રથમ સારવાર માટે કઠલાલ આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે નડિયાદ સિવિલમાં રીફર કર્યા હતા.