For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો

Updated: Apr 27th, 2024

ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો

- સવારે એક કલાક સુધી વરસાદ વરસ્યો

- બાજરીના ઉભા પાક તથા ઈંટોને નુક્સાન  લગ્નના માંડવાઓ પલળી જતા દોડધામ મચી

ઠાસરા : કાળઝાળ ગરમી વચ્ચે ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં શુક્રવારે સવારે કમોસમી વરસાદ વરસતા તાલુકાવાસીઓને ગરમીમાંથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતો, ઈંટોની ભઠ્ઠી ધરાવતા લોકો માવઠાથી ચિંતિત બન્યા હતા. તેમજ કેટલાક સ્થળોએ લગ્ન મંડપને નુક્સાન પહોંચ્યું હતું. 

ઠાસરા તાલુકામાં શુક્રવારે સવારે આઠથી નવ વાગ્યા સુધી માવઠું પડયું હતું. એક કલાક સુધીમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મોટું વરસાદી ઝાપટું પડયું હતું. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી. જેથી તાલુકાવાસીઓને ગરમીથી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો. 

તો બીજી તરફ ઠાસરા તાલુકામાં જલાનગર, સાઢેલિયા, શાહપુરા સહિતના ગામોમાં તથા ગળતેશ્વર તાલુકામાં ઈંટો પકવવાની ભઠ્ઠીઓ આવેલી છે. ત્યાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં અચાનક માવઠું પડતા અફરાતફરી સર્જાઈ હતી. શ્રમિકોએ પ્લાસ્ટિક વડે ઈંટોને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો છતાં નુક્સાન પહોંચ્યું હતું. સાથે જ વરસાદી ઝાપટાથી બાજરીના ઉભા પાકમાં ડુંઢા ઉપર રહેલી થુલ ધોવાઈ ગઈ હતી. જેથી મોટાપાયે નુક્સાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.ઉપરાંત શુક્રવારે લગ્નના મુહૂર્ત હોવાથી અનેક ઘરે લગ્નના માંડવા બાંધવામાં આવ્યા હતા. માવઠાના લીધે કેટલીક જગ્યાએ મંડપ ઉડી જતાં, પલળી જતાં વિધ્ન ઉભું થયું હતું.

Gujarat