ચારધામ યાત્રાના બહાને સિનિયર સિટિઝનના દોઢ લાખ પડાવી લીધા
- સિનિયર સિટિઝન અને તેમનો પરિવાર ગંગોત્રી પહોંચ્યા પછી મુંબઇના ઠગે તેઓના નંબર બ્લોક કરી દીધા
સુભાનપુરા ન્યૂ આઇપીસીએલ રોડ પર આસ્થા એવન્યુમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા મનોહરભાઈ બાલકૃષ્ણભાઈ કાનિટકરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ફેબુ્રઆરી ૨૦૨૩ માં ફેસબૂક પર સચગ દરમિયાન ભાગ્યશ્રી ટ્રાવેલ્સ ના નામના ફેસબુક આઇડી પર ચારધામ યાત્રા કરવા માટેની જાહેરાત હતી. જેમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૨૨,૫૦૦ હતા. ફેબુ્રઆરી ૨૦૨૩ માં ટ્રાવેલ્સના સંચાલકે મને ફોન કરી જણાવ્યું હતું કે, હું ભુપેશ સુરતી બોલું છું. ચારધામ યાત્રા માટે ભુપેશ ભીમભાઇ સુરતી ( રહે.પટેલ વાડી મલાડ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર)એ વ્યક્તિ દીઠ ૨૨,૫૦૦ નું પેકેજ બુક કરવા માટે જણાવ્યું હતું. મારી, મારી પત્ની પ્રભાવતીબેન, મારા સાળી નીલાબેન કુલકર્ણી, મારા ભાઈ ઉમાકાંત તથા ભાભી રાજશ્રી એમ મળીને કુલ પાંચ વ્યક્તિઓની ચારધામ યાત્રા માટે ૧.૧૨ લાખમાં પેકેજ નક્કી કર્યુ હતું.તેણે અમને કેદારનાથ થી ચારધામ યાત્રા જવા માટે હેલિકોપ્ટરના બુકિંગ બાબતે વાત કરતા તેના માટે અલગથી ૪૭,૫૦૦ ની માંગણી કરતા અમે તે રૂપિયા પણ ચૂકવી દીધા હતા.
ત્યારબાદ તેણે સ્વખર્ચે અમને હરિદ્વાર આવવા જણાવતા અમે તારીખ ૧૨-૦ ૫ - ૨૦૧૩ ના રોજ હરિદ્વાર પહોંચ્યા હતા. ભૂપેશે અમને લેવા માટે ટેક્સી મોકલી હતી. ત્યારબાદ ગંગોત્રી જવાના રસ્તા પર ભુપેશે અમને હોટલ બુક કરી આપી હતી.
આગળની યાત્રા માટે અમે ભુપેશનો સંપર્ક કરતા તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
અને અમારા નંબર બ્લેકલિસ્ટ માં નાખી દીધા હતા. ચારધામની યાત્રા કરાવવાના બહાને તેણે અમારી પાસેથી દોઢ લાખ લઈ યાત્રા કરાવી ન હતી અને પૈસા પણ પરત ચૂકવ્યા ન હતા.ગોરવા પોલીસે સામે ગુનો દાખલ કર્યો છે.