Get The App

ડિવાઈડર કુદાવી ડમ્પર બાઈક સાથે અથડાતા બે યુવકનાં મોત

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
ડિવાઈડર કુદાવી ડમ્પર બાઈક સાથે અથડાતા બે યુવકનાં મોત 1 - image


- નડિયાદ ડાકોર રોડ પર ચલાલી વળાંકે અકસ્માત

- બાઈકને 25 ફૂટ ઢસડી જઈ ડમ્પર કેનાલમાં ખાબક્યું  જેસીબીથી ડમ્પર નીચેથી એક યુવકનો મૃતદેહ કાઢવો પડયો

નડિયાદ : નડિયાદ ડાકોર રોડ પર શુક્રવારે રાત્રે ચલાલી નજીક પૂરપાટ ઝડપે આવેલું ડમ્પર વળાંક પર ડિવાઇડર કુદાવી સામેથી આવતા બાઈક સાથે અથડાવી નહેરમાં ખાબક્યું હતું. આ ડમ્પર ૨૫ ફૂટ સુધી બાઈક સવાર યુવકોને ઢસડી જતા બે યુવકોનું કચડાઈ જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના માંઘરોલીમાં રહેતા અક્ષર ભાલચંદ્ર પટેલ સંબંધીનું મોટરસાઈકલ લઈ શુક્રવારે રાત્રે પોતાના મિત્ર હાદક નટુભાઈ સોલંકી સાથે પણસોરા વાળ કપાવવા ગયા હતા. પણસોરાથી તેઓ મોટરસાયકલ પર પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ચલાલી વણસોલી રોડ પર નવાપુરા વળાંક પર પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે ડિવાઈડરની પાળી કુદાવી રોંગ સાઈડે જઈ સામે આવતા મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ ડમ્પર મોટરસાયકલને ૨૫ ફૂટ ઢસડી જઈ કેનાલમાં પલટી ખાઈ ગયું હતું.

અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડયો હતો. આ બનાવની જાણ થતા ચકલાસી પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અક્ષર પટેલ અને હાદક સોલંકી (બંનેની ઉંમર આશરે ૧૭ વર્ષ)નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પરંતુ હાદકનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અક્ષરનો મૃતદેહ ન મળતાં શોધખોળ કરતા ડમ્પર નીચે દટાઈ ગયાનું જણાઇ આવ્યું હતું. જેથી તાત્કાલિક જેસીબી મશીનથી ડમ્પર કેનાલમાંથી બહાર કાઢતા ડમ્પર નીચે કચડાઈ ગયેલા અક્ષર પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. 

પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા જશવંતભાઈ રવજીભાઈ પરમાર રહે. વરસોડા, તા. દેસર હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે દિલીપભાઈ મોહનભાઈ પટેલની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ડમ્પર ચાલક સામે માનવવધનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News