આણંદ- ભાલેજ ઓવરબ્રિજ પાસે અંડરપાસની કામગીરીમાં ભેખડ ખસી પડતા બે શ્રમિકો દટાયા

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
આણંદ- ભાલેજ ઓવરબ્રિજ પાસે અંડરપાસની કામગીરીમાં ભેખડ ખસી પડતા બે શ્રમિકો દટાયા 1 - image


- ધડાકાભેર ભેખડ ધસી પડતા આસપાસથી લોકો દોડી આવ્યા

- બંને શ્રમિકોને જેસીબીની મદદથી બહાર કઢાયા, નાજુક હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

આણંદ : આણંદ ભાલેજ રોડ પર રેલવે ફાટક પાસે બનતા અંડરપાસની કામગીરીમાં એક ઘટના સર્જાઈ હતી. આ કામગીરી કરતા અચાનક ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસતા બે મજુરો તેમાં દટાયા હતા. ભેખડ ધસવાનો અવાજ થતા અનેક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં બંન્ને દટાયેલી મજુરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને સારવાર માટે ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ ભાલેજ રોડ પર આવેલિ રેલવે ફાટક પાસે છેલ્લા કેટલાય સમયથી અન્ડર પાસની કામગીરી ચાલી રહી છે. 

આ અન્ડર પાસની કામગીરી મંગળવારે બપોરના સુમારે ચાલી રહી હતી. આ સમયે અચાનક મોટો ઘડાકાભેર અવાજ સાથે રોડ પરની એક ભેખડ ધસી પડી હતી. 

આ અવાજ સાંભળી આસપાસ કામ કરતા મજુરો અને અન્ય કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં ભેખડ નીચે દટાયેલા બે વ્યક્તિઓની આકરી ચીસો સાંભળી સ્થળ પર જેસીબી મશીન દ્વારા બંન્ને મજુરોને ભેખડ નીચેથી માટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ ૧૦૮ને કરતા જ ત્યાં આવી જતા બંન્ને મજુરોને સારવાર માટે કરસમદ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

આ  સંદર્ભે ૧૦૮નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ આ બંને મજૂરોને શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટના સંદર્ભે શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદના ઈમર્જન્સી વોર્ડ ખાતે ફરજ નિભાવતા તબિબનો ટેલિફોનિક સંપર્ક કરતા ભેખડ નીચે દબાયેલા સુરેશકુમાર રવિને સારવાર કરી રજા આપી હોવાની તેમજ ધનસુખભાઈ મેડાને હજુ પણ સારવાર અર્થે રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


Google NewsGoogle News