ઠાસરાની ભુલી તલાવડીમાં ગંદકીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી
- સફાઈ કરાવવા વોર્ડ નં.6 ના લોકોની માંગ
- શહેરના ગટરના પાણીના લીધે માછલીઓના મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કરાયો
ઠાસરામાં શિવાલય ચોકડી પાસે ગટરનું કામકાજ ચાલતું હતું. ત્યારે તૂટેલી ગટરને યથાવત રાખીને ભૂંગળાનું સમારકામ કર્યા વગર ઉપર બીજા ભૂંગળા મૂકી દેવાથી ગટરના પાણી સાથે ચોમાસાનું પાણી ભુલી તલાવડીમાં આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ભુલી તલાવડી બંધિયાર રહેતી હોવાથી તેમજ તલાવડીના પાણીનો બારેમાસ નિકાલ ના કરાતો હોવાથી સ્થગિત પાણીના કારણે અસહ્ય દુર્ગંધ આવે છે. આ તલાવડીનું પાણી વર્ષોથી ચોમાસામાં ઓવરફ્લો થઈ મોટા સૈયાદવાળાના નાકે આવેલા રેલવે ટ્રેક નીચેના નાળામાંથી પસાર થઈ એસટી ડેપો, ઈન્દિરાનગરી, બહુચરાજી મંદિર ચોકડી થઈ ઓવરંગપુરા ગામ તરફના કાંસમાં જતું હતું. ત્યાં નવો રેલવે ટ્રેક બનતો હોવાથી નાળું ચોકઅપ થઈ જતાં ભુલી તલાવડીનું પાણી વહી શકતું નથી.
વોર્ડ નં.૬ના સ્થાનિકોએ આ અંગે એક મહિના પહેલા ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે હૈયાધારણા આપી હતી. બાદમાં સ્થિતિ જૈસે થે રહેતા સ્થાનિકો રોષે ભરાયા છે. તેમજ સોસાયટીઓનું ગટરનું પાણી ખુલ્લી ગટર દ્વારા ભુલી તલાવડીમાં આવતું હોવાથી તલાવડીમાં રહેલા મોટા માછલાઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. ગંદકીને લઈ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે સત્વરે ભુલી તલાવડીમાં સાફ-સફાઈ કરવામાં આવે તેવી વોર્ડ નં.૬ના રહિશોની માંગ છે.