ખેડાના મુસાફરો માટે નવા ત્રણ રૂટ શરૂ કર્યા : લાભ માત્ર એકનો જ મળે
- માત્ર ખેડાથી અમદાવાદના રૂટ પર જ સ્થાનિક મુસાફરોને ફાયદો
- અમદાવાદથી નંદુરબારના રૂટમાં ખેડાની બાદબાકી ખેડા-નારોલમાં પ્રાઈવેટ વાહનોની જોહૂકમી
ખેડા એસ.ટી. દ્વારા તાજેતરમાં ખેડા ડેપોની ત્રણ નવી બસો દ્વારા ત્રણ નવા રૂટનો શુભારંભ સ્થાનિક આગેવાનો, એસટી પેસેન્જર મંડળના સભ્યો અને માતર અને મહેમદાવાદના ધારાસભ્યોના વરદ હસ્તે કરાયો હતો. ખેડાથી અમદાવાદ અને પછી અમદાવાદથી નંદુરબારના રૂટમાં ખેડાની બાદબાકી કરી નાંખી છે. એટલે માત્ર ખેડા અમદાવાદનો જ લાભ ખેડાના પેસેન્જરને મળે અને એ રીતે આ બે નવા બસ રૂટ શરૂ કર્યાનું નાટક કરી ખેડા એસટી વિભાગ પોતાની ઉપરી કચેરીના એજન્ડા અનુરૂપ કામ કરતા હોવાનું મુસાફર પેસેન્જર જનતા અનુભવી રહ્યા છે.
ત્રીજો રૂટ ખેડા નારોલનો શરૂ કરાયો છે. એ બાબતે મુસાફર જનતાના જણાવ્યા પ્રમાણે ખેડા હાઇવે ચોકડી ઉપરથી જ નારોલના પેસેન્જર મોટી સંખ્યામાં મળી રહે તેમ છે.
અહીં હાઇવે ઉપટ શટલીયા રીક્ષાનું ભારે વર્ચસ્વ છે. એસટી બસ સ્ટોપેજના સુચી બોર્ડ થાંભલાની આજુબાજુ જ ખાનગી વાહનોના જમેલા હોય છે ત્યારે ડેપો મેનેજર દ્વારા દિવસમાં એક વાર હાઇવે ચોકડી જઈને રીક્ષાના દુષણને દૂર કરવા પ્રયત્ન થાય તે જરૂરી છે. અને તો જ પેસેન્જર નિર્ભય બની એસટી બસમાં બેસી નારોલની મુસાફરી કરી શકે. સુવિધા આપવી હોય તો ખેડાની મુસાફર જનતાની જરૂરિયાત પ્રમાણે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને નવા રૂટની અમલવારી કરવી જોઇએ એવું ખેડા નગરમાં ચર્ચાઈ રહ્યું છે.