નડિયાદના સંતરામ મંદિરમાં આજે સાકરવર્ષામાં હજારો ભક્તો ઉમટશે
- 193 માં સમાધિ મહોત્સવની ઉજવણી પ્રસંગે
- નડિયાદમાં પરંપરાગત મેળાની રંગત જામશે : માઘી પૂનમ નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજીના વિશેષ શ્રૂંગાર- પૂજા કરાશે
નડિયાદ : મહા પૂણમાના અવસરે સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી ત્યારે આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. જેના અનુસંધાને નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો ૧૯૩મો સમાધિ મહોત્સવ છેલ્લા ૧૦ દિવસથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે તા. ૨૪મીને શનિવારે ભક્તો મંદિરમાં સાકરવર્ષા કરશે. સાથે જ માઘી પૂનમે નડિયાદમાં ભરાતા પરંપરાગત મેળાની પણ રંગત જામશે.
તા. ૨૪મીને શનિવારે માઘી પૂનમ નિમિત્તે નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય સાકરવર્ષા કરી ભક્તો ભક્તિમાં તલ્લીન થશે, તો સાથે જ મહાસુદ પૂનમે નડિયાદમાં ભરાતો લોકમેળો ખુબ જ પ્રખ્યાત હોવાથી, જિલ્લાભરના લાખો લોકો આ મેળો જોવા માટે ઉમટશે. ત્યારે નાની મોટી ચગડોળો સહિત લારી, પાથરણાવાળા અને અવનવી વસ્તુઓના સ્ટોલો ઊભા કરાયા છે.
નડિયાદમાં ચાલતા આ પરંપરાગત લોકમેળામાં રાતનો નજારો પણ અનેરો છે.આ સાથે જ આજે ડાકોરના શ્રી રણછોડરાયજીના મંદિરમાં પણ માઘ પૂણમા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. મંગળા આરતીનો હજારો ભક્તો લ્હાવો લેશે. ત્યારે ભગવાનને વિશેષ શણગાર કરાશે, તો તેમની વિશેષ પૂજા અર્ચના થશે.