ઠાસરાના ગુમડિયાથી મોટા કોતરિયા જવાના રસ્તા પર મોટું ગાબડું પડયું

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ઠાસરાના ગુમડિયાથી મોટા કોતરિયા જવાના રસ્તા પર મોટું ગાબડું પડયું 1 - image


- ગ્રામજનો- ખેડૂતો હાલાકીમાં મૂકાયા

- ખેતરોમાં પાણી ભરાતા પાક અને જમીનનું ધોવાણ : સત્વરે રોડ રિપેર કરાય તેવી માગ

ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગુમડિયાથી મોટા કોતરિયા ગામોમાં જવાના જાહેર રસ્તા ઉપર આશરે ૨૦ ફૂટ પહોળું અને ૧૦ ફૂટ ઊંડું મોટું ગાબડું પડતા અહીંથી રોજ અવર- જવર કરી રહેલા ગ્રામજનો ભારે હાલાકીમાં મૂકાયા છે. 

ઠાસરા તાલુકાના ગુમડિયા ગામથી મોટા કોતરિયા ગામને જોડતો ટૂંકા રસ્તા ઉપર તા. ૨૮-૯-૨૩ને ગુરુવારે રાત્રિના સમયે વાવાઝોડા સાથે એક કલાક વરસાદ તૂટી  પડતા મોટા કોતરિયા ગામ પાસે જાહેર રસ્તા ઉપર આશરે  ૨૦થી ફૂટ પહોળું અને  ૧૦ ફૂટ ઊંડું મોટું ગાબડું પડયું હતું. રાત- દિવસ આ રસ્તા ઉપરથી આવતા- જતા નાના-મોટા વાહનો, ખેતીના સાધનો, ટેક્ટર જેવા સાધનો જઈ શકે તેમ નથી. ગાબડાના કારણે જાહેર રસ્તાથી પાંચ ફૂટનું અંતર રહેવા પામ્યું છે અને આ મોટો ખાડો પુરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાનો ભય સતત મોટા કોતરિયા અને ગુમડીયા ગામની જાહેર જનતાને રહ્યા કરે છે. 

આ મોટા ગાબડાથી નજીક આવેલા ખેતરમાં તમાકુના પાકમાં પાણી પેસી ખેતરની જમીન ધોવાઈ ગઈ છે.  વહેલી તકે આ ગાબડું  માર્ગ અને મકાન ડાકોર- ખેડા જિલ્લા પંચાયત નહીં પૂરે તો મોટો અકસ્માત થવાનો ડર આ રસ્તેથી પસાર થતા લોકોને લાગી રહ્યો છે. ત્યારે સત્વરે આ રસ્તા પરનું ગાબડું પૂરવા માટે કોતરિયા ગામના નાગરિક દિલીપભાઈ પરમાર અને એલ.કે પરમાર સહિત ગ્રામજનોએ માગણી કરી છે.


Google NewsGoogle News