નડિયાદના યુવક ઉપર અમેરિકામાં લૂંટના ઇરાદે ફાયરિંગ, હાલત ગંભીર
- અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલો
- ઘરની બહાર જ લૂંટારુંઓ દ્વારા ઘાતકી હુમલો કરાયો, પેટમાં 3 ગોળીઓ ધરબી દીધી
મળતી માહિતી મુજબ મૂળ નડિયાદના કિશન સમોસાના ખાંચામાં રહેતા મેનગર પરિવારનો પુત્ર ઉજાસ શૈલેષભાઇ મેનગર અમેરિકામાં સ્થાયી થયો છે. ઉજાસનો પરિવાર પણ નોર્થ અમેરિકામાં જ છે. પોતાની ખાનગી કારમાં ઉજાસ સ્ટોર બંધ કરીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તે કોઈ વસ્તુ લેવા ઉભો હતો.
બાદમાં જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા તેની સાથે લૂંટના ઇરાદે ઝપાઝપી કરવામાં આવી હતી. ઉજાસે પ્રતિકાર કરતાં લૂંટારુંઓએ તેની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં લુંટારા ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસથી દોડી આવેલા લોકોની મદદથી પરિવારે ઉજાસને સારવાર અર્થે ખસેડયો હતો.
જ્યાં હાલમાં ઉજાસની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉજાસને પેટમાં ત્રણ ગોળી વાગી હતી. જેમાંથી બે ગોળી કાઢી લેવામાં આવી છે, જ્યારે હજી એક ગોળી ઉજાસના શરીરમાં જ છે. હાલમાં આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉજાસનો પરિવાર સતત તે જલદી સાજો થઈને ઘરે આવે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નડિયાદના રહીશો પર વિદેશોમાં હુમલા ના બનાવ બન્યા છે, ત્યારે વધુ એક બનાવને લઈને વિદેશની ધરતી પર સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.