કપડવંજના આંબલિયારા ગામના તલાટીની અનિયમિતતાથી ગ્રામજનો ભારે પરેશાન
- પંચાયતમાં મોડા આવે છે અને વહેલા જતા રહે છે
- ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરાઇ છતાંય કોઇ કાર્યવાહી ન થતા આક્રોશ
આ મામલે અગાઉ ટીડીઓને પણ રજૂઆત કરાઇ હતી છતાંય કોઇ પગલા લેવાયા નહોતા.તલાટીની અનિયમિતતાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે ગામના જાગૃત નાગરિકે ટીડીઓને લેખિતમાં રજૂ કરી છે. રજૂઆત મુજબ તલાટી સ્વાતિબેન ભોઇ ગ્રામ પંચાયતમાં સવારે ૧૧.૦૦ વાગ્યે આવવાને બદલે બપોરે ૧.૦૦ વાગ્યે આવતા હોય છે. સાંજે ૬.૧૦ કલાકે છુટવાનો સમય હોય છે છતાંય તેઓ બપોરે ત્રણેક વાગ્યે ઘરે જતા રહેતા હોય છે. જેના લીધે ગામના પેટા પરા વિસ્તારોમાંથી દોઢેક કિ.મી.થી આવતા અરજદારોને વીલા મોઢે પરત ફરવાની ફરજ પડે છે. અરજદારોએ ધક્કા ખાવા પડી રહ્યા છે. આ બાબતે તલાટીનું ગ્રામજનો ધ્યાન દોરે તો તેઓ ઉશ્કેરાઇ જાય છે અને કિન્નાખોરી રાખીને ઇરાદાપૂર્વર અરજીઓના નિકાલમાં વિલંબ કરે છે. આ મામલે તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ અરજદારોને પડી રહેલી હાલાકીઓ દુર કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.