વસોના પીજમાં યોજાયેલા જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો
- બદલી કેમ્પમાં ગેરરીતિનો શિક્ષકોનો આક્ષેપ
- શિક્ષક સંઘના નિયામક અને મહામંત્રી સાથે થયેલી ચર્ચા મુજબ બદલી કરાઈ હોવાનો તંત્રનો દાવો
વર્ષ ૨૦૦૭થી ભરતી થયેલા શિક્ષકોએ છેલ્લા ઘણા વર્ષોથી બદલી માટે ખેડા જિલ્લા પંચાયતમાં અરજીઓ આપી છે. પરિણામે વસોની પીજ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોની જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જિલ્લા ફેર બદલી માટે ૫૩૫ ખાલી જગ્યાઓ માટે ૫૦ ટકા અગ્રતા યાદી મુજબ શિક્ષકોને બદલી માટે બોલાવવાના બદલે ૧,૯૦૦ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, કેમ્પમાં જિલ્લા બહારના શિક્ષકો આવતા તેમને અગ્રતા યાદી મુજબ બદલી કરવાનું બહાનું બતાવવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષકોએ, અગ્રતા યાદી પૂરી થઈ હોવાથી બાકીની જગ્યાઓએ સિનીયોરિટીથી બદલી કરવા, માંગ કરી હતી. તે સમયે બદલી કેમ્પમાં આવેલા અધિકારીઓ દ્વારા શિક્ષક સંઘના મહામંત્રી અને નિયામક સાથે થયેલી ચર્ચા અને સૂચના મુજબ બદલી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે અધિકારીઓને રજૂઆત કરવા ગયેલા શિક્ષકોને પોલીસ ફરિયાદ કરવાની અધિકારીઓએ ધમકી આપી હોવાના આક્ષેપ શિક્ષકોએ લગાવ્યા હતા. તેમજ શિક્ષકોએ સગાવાદ, નાણાકીય લેવડ-દેવડથી બદલી થતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.