આગરવા પ્રાથમિક શાળામાં આવતા તાલીમાર્થીઓએે વિદ્યાર્થીઓને માર્યા
- આચાર્યના દિકરા સહિત 3 વિરૂદ્ધ ગુનો નોંધાયો
- નાની નાની બાબતે જોહુકમી કરનારા બીએડના તાલીમાર્થીઓ વિરૂદ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ
ડાકોર : ઠાસરા તાલુકાની આગરવા પ્રાથમિક શાળામાં બીએડ કોલેજમાંથી તાલીમ લેવા આવનારા આચાર્યના પુત્ર સહિતના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને લાકડાની ડંડી,લોખંડની ફૂટપટ્ટી અને હાથથી માર મારતા હોવાની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આગરવા ગામની પ્રાથમિક શાળામાં ધો.૮માં ભણતો વિદ્યાર્થી નિકુલે તેના પિતા જશુભાઈ સુકાભાઈ રાઠોડને જણાવ્યું હતું કે તેમની શાળામાં ઈન્ટર્ન તરીકે આવતા શાળાના આચાર્ય હરિસિંહ રણજિતસિંહ ચાવડાનો દીકરો ધનરાજસિંહ, હર્ષિલભાઈ અને એક યુવતી તેમને નાની નાની બાબતે વાંક વિના ગધેડાઓ તમને તો કંઈ આવડતું નથી, લેસન કરીને લાવતા નથી વગેરે જેવા બહાનાઓ કાઢીને લાકડાની ડંડી, લોખંડની ફૂટપટ્ટી અને હાથથી માર મારે છે.
જેથી જશુભાઈએ પુત્રના શરીરે જોતાં મારના નિશાન મળી આવ્યા હતા. આ અંગે અન્ય વાલીઓ સાથે વાત કરતાં બાબત ખુલી હતી. જેથી બધા જ વાલીઓ સાથે મળીને શાળાએ જતાં ત્રણેય તાલીમાર્થીઓ ત્યાંથી ગાયબ હતા. જેથી તેમણે ડાકોર પોલીસ મથકે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.