નડિયાદમાં જાહેર શૌચાલયોની અવદશા, જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી !
- શૌચાલયો સારસંભાળના અભાવે બિનઉપયોગી
- શૌચાલયો પાછળ લાખોનો ખર્ચો કરાય છે પરંતુ લોકોને સવલત મળતી નથી
નડિયાદ શહેરની વસ્તી મહાનગરપાલિકાને આંબવા જઈ રહી છે. આ ઉપરાંત જિલ્લાનું વડુ મથક હોવાના કારણે આસપાસના તાલુકાના લોકો પણ મોટી સંખ્યામાં નડિયાદ શહેરમાં પોતાના કામ માટે આવતા હોય છે. ત્યારે લોકોને રોજિંદી ક્રિયા માટે જાહેર શૌચાલયો હોવા જરૂરી છે. જો કે, નડિયાદ નગરપાલિકામાં વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નડિયાદ શહેરના જાહેર માર્ગો પર બનાવાયેલા જાહેર શૌચાલયો સાર-સંભાળના અભાવે વર્ષોથી બિનઉપયોગી હાલતમાં પડયા છે. પરિણામે આ શૌચાલયોમાં હાલ જંગલી વનસ્પતિના ઝુંડ ઉગી નીકળયા છે.
ઘણાં શૌચાલયો જોખમી અને જર્જરીત બન્યા છે. શહેરમાં સંત અન્ના ચોકડી નજીક માહિતી ભવનની બાજુમાં આવેલ શૌચાલય, સલુણ ચોકી સામે, સંત રામેશ્વર રોડ પર તેમજ ચકલાસી ભાગોળ પર જાહેર શૌચાલય આવેલા છે. આ જાહેર શૌચાલયો શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર આવેલા છે જે ઘણા વર્ષોથી બંધ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આમ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જાહેર શૌચાલયો પાલિકા તંત્રની બેદરકારીના કારણે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યાં છે.