નડિયાદ છાંટિયાવાડ નજીક ગુરૂવારે વરસાદમાં ખંડેર મકાનની છત તૂટી
- ફાયર વિભાગની ટીમે અંતે મકાન ઉતારી લીધું
નડિયાદ : નડિયાદ પાલિકાએ છાંટીયાવાડ નજીકની એક ખડકીમાં ખંડેર બનેલા મકાનને ઉતારી લેવા માટે તેના માલિકને નોટિસ આપી હતી. આ માલિક દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને તેના પગલે ગુરૂવારે મોડી રાતે આ ખંડેર મકાનની છત અચાનક તૂટી પડી હતી. જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ મકાન ઉતારી લેવાની કામગીરી કરાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નડિયાદના છાંટીયાવાડ વિસ્તારમાં પટેલ ખડકીમાં એક ખંડેર મકાનની છત તા. ૨૦ જૂનની મોડી રાત્રે તૂટી પડી હતી. વર્ષોથી ખંડેર બનેલી આ મિલકતના માલિકને અગાઉ પણ નોટિસ અપાઈ હતી અને આ વખતે પણ સર્વે દરમિયાન આ ખંડેર મકાનના માલિકને નોટિસ આપી અને તાકીદ રાખી મકાન ઉતારી લેવા જણાવાયું હતું. પરંતુ મકાન માલિક દ્વારા ગફલત રાખવામાં આવી અને તેના પરીણામે ગતરોજ આ ખંડેર મકાનની છત કકડભૂસ થઈ ગઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ વચ્ચે ફાયર વિભાગને જાણ થતા ફાયર કર્મીઓ દ્વારા સ્થળ પર પહોંચી અને આ મકાન ઉતારી લેવાયું હતું. આ સિવાય નડિયાદ નગરપાલિકા દ્વારા અત્યાર સુધી ૨૭૦ જેટલા આવા જર્જરિત મકાનો અને એકમો ઉતારી લેવા નોટિસો બજાવી છે. પરંતુ હજુ સુધી નગરપાલિકાની નોટીસોનો સ્થળ પર જે-તે માલિકો દ્વારા અમલ કરાયો નથી. જેથી ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટનાઓ બને તેવી વકી છે.