નડિયાદ મરીડા રોડથી ડાકોર રોડને જોડતો રસ્તો બિસ્માર
- સ્થાનિકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી
- જિલ્લા કલેક્ટરે આઠ મહિના પહેલા પાલિકાને સુચના આપી છતાં સ્થિતિ જૈસે થે
નડિયાદ મરીડા રોડથી રિંગ રોડ સુધી અનેક સોસાયટીઓ, હોસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શાળાઓ આવેલી છે. મરીડા, હાથજ, વાલ્લા સહિત ગામોના વિદ્યાર્થીઓ, દર્દીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો ડાકોર રોડથી મરીડા રોડ વચ્ચેનો સીધો અને ટૂંકો રસ્તો હોવાથી વાહનોની ભારે અવર-જવર રહે છે.
ત્યારે આ રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. આ અંગે વોર્ડ નં.૬ના મ્યુનિસિપલ કાઉન્સિલર માજીદખાન પઠાણ સહિતના સ્થાનિકોએ અવારનવાર તંત્રના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ઉપરાંત રોશન બાબા સોસાયટીના મોઈનુદ્દીન કાઝીએ તા.૨૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ અંગે રજૂઆત કરી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી. આ બાબતે નગરપાલિકાની તા.૧૦ નવેમ્બર ૨૦૨૩ની સામાન્ય સભામાં રોડનું સમારકામ કરવા ઠરાવ કર્યો હતો.
જેને છ મહિના જેટલો સમય વિતવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો.
તેમજ પાલિકા દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ રસ્તો ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે.