Get The App

નડિયાદના મંજીપુરા ગામે ઉભરાતી ગટરોથી સોસાયટીના રહિશો પરેશાન

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
નડિયાદના મંજીપુરા ગામે ઉભરાતી ગટરોથી સોસાયટીના રહિશો પરેશાન 1 - image


- ગ્રામ પંચાયત અને પાલિકા તંત્રના વાંકે લોકોને હાલાકી

- સહકાર અને અમરનાથ સોસાયટીઓમાં ત્રણ મહિનાથી સમસ્યા છતાં હદનો પ્રશ્ન આગળ ધરી ઉકેલવામાં ઉદાસિનતા

નડિયાદ : નડિયાદ તાલુકાના મંજીપુરા ગામમાં છેલ્લા ત્રણેક માસથી સોસાયટી વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે. આ અંગે સ્થાનિક લોકો રજૂઆત કરતા ગ્રામ પંચાયત તેમજ નગરપાલિકાના સત્તાધીશો બાઈ બાઈ ચારણી જેવા જવાબો આપતા હોઈ ભારે આક્રોશ વ્યાપ્યો છે.

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામનો અમુક વિસ્તાર ગ્રામ પંચાયતની હદમાં આવે છે. જ્યારે અમુક સોસાયટીઓ નગરપાલિકાની હદમાં આવે છે. મંજીપુરાની સહકાર તેમજ અમરનાથ સોસાયટી ગ્રામ પંચાયતની હદમાં આવે છે. જ્યારે તેને અડીને જ આવેલી રામકૃષ્ણ સોસાયટીનો નગરપાલિકા વોર્ડ નં.-૩માં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ વહીવટી તંત્ર દ્વારા સીમાંકન પ્રક્રિયામાં એક જ ગામના બે ફાડીયા કરવામાં આવેલા છે. જેના કારણે પાડાને વાંકે પખાલીને ડામ જેવી ગ્રામજનોની હાલત થવા પામી છે. 

મંજીપૂરા ગામમાં આવેલી સહકાર તેમજ અમરનાથ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને ગંદુ પાણી ડહોળી અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ગટરના ગંદા પાણીને કારણે ગંદકી ફેલાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ અંગે સ્થાનિક રહીશ દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા સરપંચ દ્વારા ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું હોવાથી ગટરની સાફ-સફાઈ કરવાની જવાબદારી નગરપાલિકાની હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓએ સફાઈ કામદારો દ્વારા ગટરની સાફ-સફાઈ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Google NewsGoogle News