અશ્વરેસ હરિફાઈમાં પ્રથમ આવનાર ઘોડી માલિકનું મોત
- મોરજ ગામના પરિવારની જીતની ખુશી માતમમાં ફેરવાઈ
- ઘોડાના તબેલા પર હીચકા પર મિત્રો સાથે બેઠા હતા ત્યારે અચાનક જમીન પર ઢળી પડયા
તારાપુર : તારાપુરના બુધેજ ગામે યોજાયેલી અશ્વરેસ હરીફાઈમાં મોરજ ગામના યુવાનની ઘોડી પ્રથમ ક્રમે આવી હતી. આ યુવાનનું મોત થતાં મોરજ ગામના પરિવારની જીતની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
તારાપુર તાલુકાના બુધેજ ગામે યોજાયેલી અશ્વરેસ હરીફાઈમાં મોરજ ગામના પ્રથમ નંબરે આવનાર ઘોડી માલિક સલીમ ખાન પઠાણ ઉ.વર્ષ ૪૨ નામનો આશાસ્પદ યુવક ઘરે પોતાના ઘોડાના તબેલા પર હીચકા પર મિત્ર વર્તુળ સાથે બેઠા હતા તે દરમિયાન અચાનક જમીન પર ઢડી પડયા હતા. મિત્રો દ્વારા તાબડતોબ તારાપુર સહાદત હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સલીમ ખાન પઠાણના ઘરમાં એક તરફ ખુશીનો માહોલ હતો તેમની લાડલી સપના ઘોડી ડાન્સિંગ હરીફાઈમાં પ્રથમ નંબરે વિજેતા થઈ હતી જ્યારે બીજી તરફથી જીતના ત્રીજા દિવસે માલિક સલીમખાન પઠાણનું અચાનક હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થતાં પરિવાર તથા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.