24.50 કરોડના ખર્ચે બનતો ઉમરેઠ-બેચરી રોડ પરનો ઓવરબ્રિજ અઢી વર્ષે પણ અધૂરો
- બીજી વખત કામગીરીની મુદ્દત વધારતા હજુ હાડમારી વેઠવી પડશે
- મહેસાણાની અમર કન્સ્ટ્રક્શન કંપનીને રેલવે ઓવરબ્રિજનું કામ સોંપાયું ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ખાતમુહૂર્ત કર્યું હતું
પરંતુ એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા એજન્સીને તા.૩ જુલાઈ ૨૦૨૪ સુધીની મુદ્દત વધારી આપવામાં આવી હતી. તેમછતાં તા.૧૯ જુલાઈ ૨૦૨૪ સુધીમાં ઓવરબ્રિજનું ૬૦ ટકા જ કામ પૂર્ણ થયું હોવાથી એજન્સી દ્વારા સમયમર્યાદા માટે વધારો માંગ્યો હતો. જેથી જીયુડીસી દ્વારા તા.૨૮ મે ૨૦૨૫ સુધીનો સમય વધારી આપવામાં આવ્યો છે.
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ખાતમુહૂર્ત કરેલા ઓવરબ્રિજનું છેલ્લા અઢી વર્ષથી કામ નિર્માણાધીન છે. ઉપરાંત ઓવરબ્રિજની બાજૂમાં સર્વિસ રોડ પણ બનાવવામાં ના આવતા ઉમરેઠ-સાવલી વચ્ચે આવેલા ૧૫થી ૧૬ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમિયાન કાચા રસ્તા પર કાદવ-કિચડ થઈ જતાં સાવલી જીઆઈડીસીમાં નોકરી કરતા લોકોને ફરીને જવાની નોબત આવી છે.
ચોમાસામાં રેલવે ખોદકામની મંજુરી નથી આપતું, 15 સપ્ટેમ્બર બાદ કામ થશે
રેલવે ઓવરબ્રિજની કામગીરી ૬૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એપ્રોચ પોર્શનમાં આવતા આરઈ વોલની કામગીરી શરૂ છે. રેલવે પોર્શનની કામગીરી બાકી છે, રેલવે વિભાગ પાસેથી મંજૂરી મળ્યા બાદ તેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામ કોસ્ટ શેરિંગ બેઝીઝ પર છે, જેમાં ટેન્ડરની કુલ રકમના ૫૦ ટકા રકમ ગુજરાત સરકાર ચૂકવશે અને બાકીની ૫૦ ટકા રકમ રેલવે વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે. હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી રેલવે વિભાગ રેલવેના પાટા નજીક કોઈ પ્રકારના ખોદકામની મંજૂરી આપતું નથી. જેથી ૧૫ સપ્ટેમ્બર બાદ રેલવે પોર્શનની કામગીરી શરૂ કરવામાં આવશે. - સુમિત પ્રજાપતિ, કોન્ટ્રાક્ટર, અમર કન્સ્ટ્રક્શન કંપની, મહેસાણા