ખેડામાં આધેડની હત્યાનો ભેદ ખુલ્યો, જમીન બાબતે હત્યા કરનારા 2 આરોપી ઝડપાયા
- આગલી રાતે જમીન બાબતે ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાંખી
- હનુમાનજી મંદિરના પૂજારીના હત્યા કેસમાં આખરે ખુલાસો થયો
મળતી માહિતી મુજબ ખેડાના મહીજ ગામમાં મહાદેવના મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા આધેડ શનાભાઈ શકરાભાઈ રાવળની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી અને પોલીસે શનાભાઈના ભાઈ વિનુભાઈ રાવળે ખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનામાં ખેડા ટાઉન પોલીસના પી.આઈ. કે. એચ. ચૌધરી અને તેમનો સ્ટાફ હત્યા પ્રકરણ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં જમીનની બાબતમાં આ મૃતક શનાભાઈ રાવળનો મહેશ કાળુભાઈ રાવળ (રહે. હરિયાળા, તા.ખેડા) અને જીતેન્દ્રભાઈ ઉર્ફે રાજુ ઉદાભાઈ રાવળ (રહે. હરિયાળા, ખેડા) સાથે વિવાદ ચાલતો હતો. આ બંને ઈસમોએ જમીન વાવવા મુદ્દે અગાઉ દિવાળીના સમયે અને ત્યારબાદ હત્યાની આગલી રાત્રે જ શનાભાઈ સાથે માથાકૂટ કરી હતી.
આ સિવાય પણ બંને ઈસમો જમીન બાબતે અવાર-નવાર માથાકૂટો કરતા હતા. જેથી હત્યાની આગલી રાત્રે થયેલી માથાકૂટ બાદ આ બંને ઈસમોએ આ જૂની અદાવતમાં શનાભાઈ પોતાના ઘરે સૂતા હતા, તે વખતે પહોંચી લાકડીથી શનાભાઈ પર જીવલેણ ઘા કર્યો હતો.
આ બાદ ઈજાગ્રસ્ત શનાભાઈને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. ત્યારબાદ ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે ઘટનાના ૨ દિવસમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.