મહેમદાવાદ બેઠક પર ભાજપમાંથી અર્જુનસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું
- નામ જાહેર થતા તમામ અસમંજ પર અંતે પુર્ણ વિરામ મૂકાયું
ખેડા જિલ્લામાં ભાજપે અગાઉ ૫ વિધાનસભાની બેઠક માતર, નડિયાદ, કપડવંજ, ઠાસરા, મહુધાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ કોઈ કારણસર મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવારની જાહેરાત થઈ નહોતી. જેના કારણે અનેક અટકળોએ જોર પકડયું હતું. જોકે આ અટકળોનો આજે અંત આવ્યો છે. આખરે ભાજપે રીપીટ થીયરી અપનાવી અર્જુનસિંહ ચૌહાને રીપીટ કરી દીધા છે. જેના કારણે તેમના સમર્થકોમા ખુશીની લહેર ઉઠી છે.
મહેમદાવાદ બેઠક પરથી સતત બીજી વખત ભાજપે અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમા કેબિનેટ ગ્રામ અને ગૃહ નિર્માણના મંત્રી પદે છે. અગાઉ ભાજપે પહેલી અને બીજી યાદીમાં જિલ્લાના ૫ બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ મહેમદાવાદ બેઠક પર નામ જાહેર કર્યું નહતું. આજે રવિવારે અર્જુનસિંહ ચૌહાણને ટેલીફોન મારફતે ચૂંટણી લડવા જાણ કરવામાં આવી હતી. આ બેઠક પર ડો. ઘનશ્યામ સોઢાનું નામ જાહેર થવાનુ જોરશોરથી ચર્ચાતું હતુ. પરંતુ માતર બેઠક પર નવા ચહેરાની પસંદગી કરવામાં આવતા કેસરીસિંહ સોલંકીએ આમઆદમી પાર્ટીમા જોડાયા હોવાનું જાહેર કર્યું હતું. જેથી મહેમદાવાદ બેઠક પર નવું નામ જાહેર કરવામાં આવે તો માતર બેઠક જેવી સ્થિતિ ન સર્જાય તે માટે અર્જુનસિંહ ચૌહાણનું નામ રીપીટ કરવામાં આવ્યું છે. મહેમદાવાદના વાંઠવાળી ગામના અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ ૨૦૧૭માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડયા હતા. મહેમદાવાદ બેઠક પર કાંગ્રેસના ગૌતમ ચૌહાણ સામે દસ હજાર મતથી વિજેતા થઇ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકયા છે.