ખેડા જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીએ પહોંચ્યો
- નવેમ્બરના અંતમાં ચરોતરમાં ઠંડીનો ચમકારો
- ઠેર ઠેર સ્વેટર, શાલ સહિતની વસ્તુઓની હાટડીઓ શરૂ જિલ્લાવાસીઓએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું
ચરોતર પંથકમાં નવેમ્બર મહિનાના અંતમાં ઠંડીનું જોર વધ્યું છે. હાલમાં ખેડા અને આણંદ જિલ્લામાં રાત્રીના સમયે લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૫ ડિગ્રીએ પહોંચી જતાં ચરોતરવાસીઓને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેતા તડકાના કારણે ઓછી ઠંડી અનુભવાઈ રહી છે. જોકે, રાત્રે ઠંડીનો ચમકારો થતાં લોકોએ ગરમ કપડાં કાઢવાનું શરૂ કરી દીધું છે. નડિયાદમાં ઠેર ઠેર સ્વેટર, શાલ, મફલર, ગરમ ટોપી સહિતની વસ્તુઓની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો પણ બજારમાં ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરી પડી રહ્યાં છે. ફુલ ગુલાબી ઠંડી વચ્ચે લોકો મોર્નિંગ વૉકમાં નિકળી રહ્યા છે. સિનિયર સિટીઝનો સાથે યુવાધન ગરમ વસ્ત્રો પહેરીને મેદાનો, બગીચા, રસ્તા પર ચાલવા અને દોડવા નીકળી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.