વિરપુરના ધોરાવાડાથી ભાટપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો
- બંને બાજુ ઝાડી ઉગી નીકળતા રોડ સાંકડો થયો
- રોડનું નવીનીકરણ તેમજ બંને સાઈડ ટ્રિમિંગ નહીં થાય તો આંદોલનની ગ્રામજનોની ચિમકી
વીરપુરથી ભાટપુરને જોડતા મુખ્ય માર્ગ પર અંદાજીત ૨૦થી ૨૫ ગામડાઓ આવેલા છે. ત્યારે રોડ ઉપરથી કપચી ઉડી રહી હોવાથી રોડ ધૂળીયો બની ગયો છે. આ રસ્તા ઉપર ભયજનક જોખમી ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો માટે આ રસ્તો માથાનો દુઃખાવો બન્યો છે. માર્ગ પર સપ્તાહ દરમ્યાન એક બે અકસ્માત પણ સર્જાઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રસ્તાની બંને બાજુ કાંટાળા ઝાડ ઊગીને નમી જવાના લીધે રોડ સાંકડો પણ થઈ ગયો છે. સામેથી આવતું વાહન પણ દેખાતું નથી. ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા તેમજ રોડની બંને સાઇડ ઉપર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા ગ્રામજનોએ માંગણી કરી છે. જો આગામી સમયમાં આ રોડનું સમારકામ તેમજ બંને સાઈડ પર જંગલ કટીંગ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.