ઠાસરા મામલતદાર કચેરીના પ્રવેશ દ્વારે જ પાણી ભરાઈ રહેતા હાલાકી
- દુર્ગંધ મારતા કિચડથી રોગચાળાનો ભય
- નાગરિકો લોખંડનો મુખ્ય દરવાજો પકડીને કચેરીમાં પ્રવેશ કરવા મજબૂર બન્યા
ઠાસરા : ઠાસરા મામલતદાર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી ભરાઈ રહેતા નાગરિકો તેમાથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે રસ્તા પર બ્લોક નાખી સુદ્રઢ કરાય તેવી માગ ઉઠી છે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મામલતદાર કચેરીમાં પ્રવેશ કરવાનાં મુખ્ય દરવાજા પાસે ઘણાં વખતથી વરસાદી પાણી ભરાઈ રહેલું છે. ઠાસરા તાલુકા અને ઠાસરા નગર પાલિકા વિસ્તારની જાહેર જનતા સરકારી કચેરીઓમાં સરકારી કામ કાજ માટે આવે છે ત્યારે મુખ્ય દરવાજા પાસે અને બાજુમાં ગંધ મારતો કાદવ-કીચડ હોવાથી જાહેર જનતાને પડી જવાની, વાગવાની કે કપડાં ગંદા થવાના ભયથી લોખંડનો મુખ્ય દરવાજો પકડીને પ્રવેશ કરવા મજબૂર બન્યા છે. મામલતદાર કચેરીનું ફ્લોર નીચું થઈ જતા અને ડાકોર- ઠાસરા રાજ્ય ધોરી માર્ગ ઊંચો હોવાના કારણે આ સમસ્યા ઊભી થઈ ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લવાય અને બ્લોક નાખી આ રસ્તો ચાલવા યોગ્ય બનાવાય તેવી લોકોની માગ છે.