ખાણ-ખનીજ વિભાગે કબજે કરેલું ડમ્પર ધાકધમકી આપી છોડાવી ગયા
- નડિયાદ પાલિકાના કોર્પોરેટર અને તેના મળતિયાઓની દાદાગીરી
- 2,500 મેટ્રિક ટન રેતી ઠાલવી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી : કોર્પોરેટર સહિત 4 સામે ગુનો નોંધાયો
ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર કે.એસ.સોની તેમની ટીમ સાથે બિલોદરા ગણપતિ ચોકડી ખાતે તપાસમાં હતા. આ સમયે મરીડા બાયપાસથી ગણપતિ મંદિર તરફના બાયપાસ રોડ ઉપર એક ટ્રક સાદી રેતી ખનિજનું વહન કરતો જોવા મળતા તેને રોકીને તેના ચાલક પાસે ખનીજના અધિકૃત વહન માટે રોયલ્ટીના આધાર-પુરાવા માંગતા ટ્રકના ચાલકે ટ્રકના માલિક ભરતભાઈ ભરવાડ હોવાનું જણાવ્યું હતું.
સ્થળ તપાસમાં જ ૨,૫૦૦ મેટ્રિક ટન બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતા તેને સીઝ કરવા માટે સરદાર પટેલ ભવન નડિયાદ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમયે ગણપતિ ચોકડીએ ગાડીમાં ભરત ભરવાડ અને અન્ય શખ્સો આવ્યા હતા અને ડમ્પરની આગળ ગાડી આડી મૂકી દીધી હતી. બાદમાં ટ્રકને ભગાડી મુકવાનો પ્રયત્ન કરતા ટીમ દ્વારા ફરીથી તેમને રોકીને સરકારી કામમાં અડચણ ઊભી ન કરવા સમજ આપવામાં આવી હતી.
જોકે, આ દરમિયાન માલા ભરવાડ ત્યાં આવી જતા ભરત ભરવાડે તુરંત જ માલા ભરવાડને ટ્રક ભગાડી જવાનું કહેતા તે ગણપતિ ચોકડીથી મંજીપુરા બાયપાસ તરફ ટ્રક ભગાડી ગયો હતો અને સુંદરવન સોસાયટીના પાછળના ભાગે સાદી રેતી ૨,૫૦૦ મેટ્રિક ટન ખાલી કરી દીધી હતી.
દરમિયાન બીજી બે ગાડીઓ ત્યાં આવી હતી. જેમાંથી એક ગાડીમાં બેઠેલા શખ્સે હું બાલાભાઈ ભરવાડ છું અને કોર્પોરેટર છું. આ વાહન છોડી બધું મૂકી ભાગી જાવ, નહીં તો જાનથી મારી નાખીશ, આ બાજુ પાછા આવશો તો મારપીટ કરીશું અને ખાણ ખનીજના અધિકારી અને કર્મચારી તેમજ સિક્યુરિટી સ્ટાફને ફસાવી દઈશ તેમ કહી અપશબ્દો બોલી, મારા નામની જે ફરિયાદ કરવી હોય તે કરી દેજે મને કાંઈ પડી નથી તેવી ધાકધમકી આપી હતી.
આ શખ્સો હુમલો કરે તેવી શક્યતા જણાતા સમગ્ર ઘટનાની વીડિયો તેમજ ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી. આ સમયે વધુ એક કારમાં વિનુભાઈ ભરવાડ નામનો શખ્સ આવ્યો હતો અને વીડિયોગ્રાફી કરી રહેલા કર્મચારીને અપશબ્દો બોલી વીડિયો ઉતારીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ મામલે માઈન્સ સુપરવાઇઝર કે.એસ.સોનીએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ભરતભાઈ ભરવાડ, માલાભાઈ ભરવાડ, બાલાભાઈ ભરવાડ અને વિનુભાઈ ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.