ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી જતાં દબાઈ જવાથી ચાલકનું ઘટનાસ્થળે મોત

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી જતાં દબાઈ જવાથી ચાલકનું ઘટનાસ્થળે મોત 1 - image


- સંતરામપુર તાલુકાના ભમરી ગામે 

- ઢાળ ઉતરતાં સમયે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં લોખંડનો સામાન ભરેલી ટ્રોલી ઊંધી થઈ ગઈ  

લુણાવાડા : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડનો સામાન ભરી જતા ઉતરતા ઢાળ વળાંકમાં ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર ચાલક નીચે પડી જતા લોખંડનો સામાન ભરેલી ટ્રોલી ઊંધી પડતા ચાલક ટ્રોલી નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વલુડી નિશાળ ફળિયામાં રહેતા મગનભાઈ ભરતાભાઈ બરજોડ ફતેપુરાથી સંતરામપુર તાલુકાના ભમરી ગામે લોખંડનો સામાન ભરી ખાલી કરવા માટે તેમના ગામના કાનજીભાઈ જયોતિભાઇ બરજોડનું ટ્રેક્ટર લઇ કાનજીભાઈના દીકરા પંકજભાઈ સાથે ગયા હતા. 

ત્યારપછી મગનભાઈના દીકરા મોહનભાઈને તે ટ્રેક્ટર ભમરી ગામે પલટી ખાઈ ગયેલ છે તેવી હકીકત જાણવા મળતા તેઓ ગામના માણસો સાથે ભમરી ગામે જઈ જોતા ભમરી ગામમાં રોડની બાજુમાં આવેલ ખેતરમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉંધી પડી ગઈ હતી અને તે ટ્રોલીમાં ભરેલ લોખંડની નીચેના ભાગે તેમના પિતા દબાઈ ગયા હતા અને મોત થયું હતું. 

તેઓએ કાનજીભાઈના છોકરા પંકજભાઈને પૂછતાં તેને જણાવેલ કે ટ્રેક્ટરચાલક મગનભાઈ લોખંડ ભરેલ ટ્રોલી સાથે ભમરી ગામે આર.સી.સી. રોડ ઉપર પસાર થતા હતા ત્યારે ટ્રેક્ટર ફૂલ સ્પીડમાં હોવાના કારણે ઉતરતા ઢાળ, વળાંકમાં ટ્રેક્ટરચાલકે કાબુ ગુમાવતા ચાલક નીચે પડી ગયા હતા અને ટ્રેક્ટરની ટ્રોલી લોખંડ ભરેલ સામાન સાથે ઊંધી પડી ગઈ હતી. જેની નીચે ચાલક આવી દબાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.  


Google NewsGoogle News