Get The App

જપ્ત કરાયેલો દારૂ કોન્સ્ટેબલે બુટલેગરને પાછો આપી દીધો

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
જપ્ત કરાયેલો દારૂ કોન્સ્ટેબલે બુટલેગરને પાછો આપી દીધો 1 - image


- બુટલેગર પોલીસની જુગલબંધી છતી થઇ

- બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલ સામે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો

નડિયાદ : તાજેતરમાં નડિયાદ રૂરલ પોલીસે દેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ પોલીસ મથકના જ હેડ કોન્સ્ટેબલ દ્વારા બુટલેગરને પરત આપવામાં આવ્યો હતો. જે બાબત ધ્યાને આવ્યા બાદ હાલમાં બુટલેગર અને પોલીસ કર્મચારી સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નડિયાદ રૂરલ પોલીસ મથકની ટીમ દ્વારા સલુણ એક્સપ્રેસ હાઈવે નજીકથી બીજી નવેમ્બરના રોજ ૫૦ લિટર દેશી દારૂ સાથે કમલેશ રાવજીભાઈ તળપદા (રહે. ખાડ નડિયાદ) ને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પોલીસે કબજે કરેલો મુદ્દામાલ રાઇટર હેડ પાસે જમા કરાવવાનો હોય છે, પરંતુ જે તે સમયે તુરંત જ બીજી બાતમી મળતાં પોલીસ કાફલો તપાસ માટે રવાના થયો હતો.

 આ દરમિયાન કબજે કરેલો દેશી દારૂનો જથ્થો લોકઅપ પાસે સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં બુટલેગરને કોર્ટમાં રજૂ કરતા તેને જામીન મળી ગયા હતા. પ્રોહિબિશનનો કેસ કરનાર પોલીસ કર્મચારીઓને પોલીસ મથકે મુકેલો દારૂનો મુદ્દામાલ જોવા ન મળતા ફરજ પરના એ.એસ.આઈ.ને પૂછતાં તેમણે આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી.ના અ. હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ (બક્કલ નંબર ૮૮૪) હમણાં જ લઈ ગયા હોવાનું જણાવતા તુરંત જ પોલીસે તપાસ કરતાં પોલીસ સ્ટેશનના ઝાંપા પાસે જ યશપાલસિંહ તેમજ બુટલેગર કમલેશ જોવા મળ્યા હતા.જેથી યશપાલસિંહને મુદ્દામાલ બાબતે પૂછતાં તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો અને આવું છું તેમ કહીને ત્યાંથી જતો રહ્યો હતો. તેથી પોલીસે દારૂ પીને આવેલા બુટલેગર કમલેશ તળપદાને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ કરતા તેણે દારૂનો મુદ્દામાલ પોલીસ મથકમાંથી કાઢવા માટે હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહે મદદ કરી હોવાની કબુલાત કરતા અંતે આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે બુટલેગર કમલેશ રાવજી તળપદા અને હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  

સીસીટીવીએ ભાંડો ફોડયો

પોલીસ મથકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અ.હેડ.કો. યશપાલસિંહ પોલીસે કબજે કરેલો મુદ્દામાલ લઈને જતો અને તેની સાથે બુટલેગર પણ જતો હોવાનું ધ્યાને આવ્યું હતું. બુટલેગરની કબૂલાત બાદ યશપાલ સિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને તે ફરજ ઉપર પણ હાજર થયો ન હતો.


Google NewsGoogle News