નડિયાદના યુવકની કોલેજ રોડ પરની કેનાલમાંથી લાશ મળી
- આપઘાતના કારણ અંગે રહસ્ય અકબંધ
- યુવક રાત્રે ઘરેથી બજારે જવા ટુવ્હીલર લઈને નીકળ્યો હતો
નડિયાદ : નડિયાદના રઘુનાથજી પોળમાં રહેતા ૨૮ વર્ષીય યુવકની શહેરના કોલેજ રોડ પર આવેલી કેનાલમાંથી મંગળવારે લાશ મળી આવી હતી. યુવક રાત્રે ઘરેથી એક્ટીવા લઈને બજારમાં જવા નીકળ્યો હોવા બાદ ઘરે પરત ફર્યો નહતો. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માતે મોતની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદના કોલેજ રોજ પર આવેલી કેનાલમાંથી મંગળવારે બપોરે યુવકની લાશ જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે નહેરમાંથી લાશ બહાર કાઢી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નડિયાદના રઘુનાથજી પોળમાં રહેતો અને અમદાવાદી બજારમાં આવેલી સાડીની દુકાનમાં નોકરી કરતો પારસ રઘુભાઈ સરગરા (ઉં.વ.૨૮) હોવાનું ખુલ્યું હતું. યુવક રાત્રે ઘરેથી બજારમાં ફરવા ગયા બાદ ઘરે પરત ફર્યો નહતો. મૃતકના કાકાના દીકરાએ લાશની ઓળખ કરી હતી. નહેરની પાળ પરથી યુવકનું એક્ટીવા મળી આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી યુવકે ક્યા કારણોસર નહેરમાં પડી આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.