નડિયાદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલરે દલાલીનો ધંધો કરવા યુવક પાસે એક લાખ માંગ્યા
- યુવકે પૈસા આપવાની ના પાડતા નગરસેવકે માર માર્યો
- સામાપક્ષે કાઉન્સિલરના મિત્રએ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી બંને પક્ષોની ફરિયાદના આધારે 8 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં દલાલીનો ધંધો કરતા રાહુલ તળપદાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ કારોબારી ચેરમેન મનન રાવ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાઉન્સિલર મનન રાવે અગાઉ રાહુલને જણાવ્યું હતું કે, તુ મારા વિસ્તારમાં દલાલી કરીને ખૂબ કમાઈ ગયો છે. તારે અહીંયા દલાલી કરવી હોય તો મને એક લાખ રૂપિયા આપવા પડશે. પરંતુ તે સમયે રાહુલે આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી નહતો. તેવામાં ગત તા.૧૦ નવેમ્બરે રાહુલ પોતાના મિત્ર સુર્યકાંત સાથે વાણિયાવાડ ખાતે બેઠા હતા, ત્યારે મનન રાવ, શ્રવણ મારવાડી, વિવેક પટેલ અને રવિ રબારી ત્યાં આવ્યા હતા. તું અહીંયા કેમ આવ્યો છે, તારી જોડે અગાઉ એક લાખ રૂપિયાની વાત કરી હતી, તે હજૂ આપ્યા નથી તેમ મનને પુછ્યું હતું.
ત્યારે રાહુલે પૈસા આપવાની ના પાડતા મનને ઉશ્કેરાઈને રાહુલના મોં પર ચાવી મારી હતી. તેમજ અન્ય શખ્સોએ પણ તેને માર માર્યો હતો. જેથી રાહુલે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. બાદમાં તે પોતાના ઘર તરફ જતો હતો તે વખત આરટીઓ પાસે રવિ રબારીએ તેને મનન વિરૂદ્ધ ફરિયાદ ન કરવા ધમકાવ્યો હતો. આ અંગે રાહુલની ફરિયાદના આધારે પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામાપક્ષે શ્રવણ મારવાડીએ મયંક બારોટ ઉર્ફે લાલુ, રાહુલ તળપદા, સુર્યકાંત વકીલ અને રૂતેશ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે પોતાના મિત્ર વિવેક પટેલ સાથે ફરવા નિકળ્યો હતો. ત્યારે વિવેક ગાડીમાંથી ઉતરી મસાલા લેવા જતો હતો. દરમિયાન એક કાર આવી હતી, જેમાંથી ચારેય શખ્સો ઉતર્યા હતા અને મયંકે ચપ્પાથી ઘા કર્યો હતો. તેમજ રાહુલ સહિતના શખ્સોએ વાંસની લાકડીથી માર માર્યો હતો. જેથી વિવેક ઈજાગ્રસ્ત શ્રવણને મનન રાવ પાસે લઈ ગયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મયંક બારોટ સહિતના લોકોને પાલિકાના હાલના ભાજપના કાઉન્સિલર અને અગાઉ અઢી વર્ષ કારોબારી ચેરમેન રહી ચૂકેલા મનન રાવ સાથે જૂની અદાવત હોવાથી તેની રીસ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.