કમોસમી વરસાદથી ખેડૂતોના માથે આભ ફાટયું કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન
- નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
- વહેલી તકે નુકસાનીનો સર્વે કરી સહાય કરવા ખેડૂતોની માગ શાકભાજીના પાકને પણ નુકસાનથી ભાવ વધવાની સંભાવના
સમગ્ર નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે દેડિયાપાડા, સાગબારા તાલુકામાં ખેતરો જળ બંબાકાર બન્યા છે. તેને કારણે રોકડિયા પાક કપાસને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોને મોટાપાયે આથક નુકસાન થયું છે. દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ડાંગરના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરમાં પાકી ગયેલી ડાંગરની ખેડૂતોએ કાપણી કરી ખેતરમાં રાખી હતી. જે વરસાદમાં પલળી ગઈ છે. આ સિવાય તુવેર, પાપડી અને કઠોળના પાકોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ વહેલીતકે સર્વે કરી સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે. ઉપરાંત કમોસમી વરસાદને પગલે લગ્નની મોસમમાં પણ ભંગ પડયો છે. અનેક સ્થળે લગ્ન મંડપો પલળી ગયા હતા. સાગબારા તાલુકામાં કોલવાણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા હતા. દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વરસાદના કારણે ઠંડીનો ચમકારો વધતાં લોકોને દિવસે પણ ગરમ સ્વેટર, ટોપી અને ગરમ વસ્ત્રો પરિધાન કરીને ફરવું પડયું હતું.