ડાકોરથી રાણિયાનો 16 કિ.મી.નો રોડ 4 વર્ષમાં જ બિસ્માર બન્યો
- ઠાસરા તાલુકાનો રાણિયા રોડ તૂટી જતા હાલાકી
- 22 જેટલા ગામના એક લાખથી વધુ લોકો ખખડધજ રોડથી ભારે પરેશાન
ઠાસરા તાલુકાપી રાણીયા રોડ પર આશરે ૨૨ જેટલા ગામો આવેલા છે જેની વસ્તી એક લાખથી પણ વધુ છે. જે ગામોમાં અવરજવર કરવા માટે ડાકોર રેલવે ફાટક થઈને રાણીયા વિસ્તારના ૨૨ ગામોમાં જવાનું થાય છે. જે રોડ વર્ષ- ૨૦૨૧માં સાડાચાર કરોડના ખર્ચે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ડાકોર કચેરીના સુપરવિઝનમાં એજન્સી પાસે બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ રોડ બનતો હતો ત્યારે પણ ઘણી ફરિયાદો રાણીયા રોડ વિસ્તારમાંથી ઉઠવા પામી હતી. ત્યારે સરકારના સાડાચાર કરોડનું ધોવાણ ચાર વર્ષના અરસામા થયું હોવાનું દેખાઈ રહ્યું છે. હાલ ચીતલાવ પાસે પુલ આ એજન્સી એ બનાવ્યો છે ત્યાં મોટો ખાડો પડી ગયો છે અને ગામેત્યારે તે પુલ તૂટી જવાનો ભય છે. જેથી રાણીયા વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક ત્યાં રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જીનીયરે જણાવ્યું છે કે, હવે આ રોડ માર્ગ મકાન વિભાગ સ્ટેટના અંડરમાં છે. ત્યાં રજુવાત કરવી પડશે. જ્યારે માર્ગ મકાન વિભાગના અધિકારી સોનીએ જણાવ્યું હતું કે. આ ફરિયાદ અમારા એસો પાસે આવેલી છે. ત્યાં તાપસ કરીને જે ખાડો પડયો છે તે પુરવાનું આયોજન કરી દીધું છે અને આખા રોડની દરખાસ્ત પણ સરકારમાં મોકલી આપી છે.