ઠાકોરજી નિજ મંદિરેથી જઈ ફગવા બગીચે વૈષ્ણવો સાથે ધૂળેટી રમ્યા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ઠાકોરજી નિજ મંદિરેથી જઈ ફગવા બગીચે વૈષ્ણવો સાથે ધૂળેટી રમ્યા 1 - image


- બાલાસિનોરમાં 135 મો ફગવા મહોત્સવ ઉજવાયો

બાલાસિનોર : છોટા ગોકુલ તરીકે ઓળખાતા બાલાસિનોરમાં ફાગણ સુદ નોમને સોમવારે ૧૩૫મો ફગવા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. જેમાં ઠાકોરજીને નિજ મંદિરેથી વાજતે ગાજતે બગીચે લઈ જવાયા હતા. જ્યાં સવારે ૧૦.૩૦ કલાકે ઠાકોરજી વૈષ્ણવ ભક્તો સાથે ધૂળેટી રમી નિજ મંદિર પરત ફર્યા હતા. શોભાયાત્રા દરમિયાન ૫૧ મણ ગુલાબની છોળો ઉડતા નગરના માર્ગોએ ગુલાબી ચાદર ઓઢી હોય તેવું ભાસતું હતું. ૨૫૦૦થી વધુ વૈષ્ણવો ઉત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા. 

બાલાસિનોરના મૂળ વતની હોય અને મુંબઈ સહિત દેશ- વિદેશમાં ધંધાર્થે વસેલા લોકો છોટે ગોકુલ કહેવાતા પોતાના વતનમાં દર ફાગણી નોમના દિવસે ફગવા મહોત્સવ ઉજવવા આવે છે. જેમાં ઠાકોરજી નિજ મંદિરથી બાલાસિનોરમાં પોતાના ભક્તો સાથે બગીચામાં ધૂળેટી રમવા જાય છે. ત્યારે આ વર્ષે પણ ૧૩૫મા ફાગવા મહોત્સવમાં પુષ્ટી માર્ગીય દશાનિમા વણિક સમાજ દ્વારા યોજાયેલા ફગવરા મહોત્સવમાં ૨૫૦૦થી વધુ વૈષ્ણવો ઉમટી પડયા હતા. 

આ ઉત્સવ માટે ૧૦ જેટલા વૈષ્ણવ મનોરથીઓ છે. એક મનોરથીએ યોગદાન આપ્યા બાદ ૧૦ વર્ષ બાદ તેમનો મનોરથી તરીકે ઉત્સવમાં વારો આવતો હોવાનું જાણવા મળે છે. ત્યારે આ વર્ષે પણ ફગવાના મનોરથી પરિવાર દ્વારા ઉત્સવનું આયોજન કરાયું હતું. ત્યારે શ્રી ગોકુલનાથજી મંદિરેથી પાલખીમાં ઠાકોરજીની સવારી બાલાસિનોરમાં વાજતે- ગાજતે નીકળી હતી. જેમાં અબિલ- ગુલાબ અને ૫૧ મણ ગુલાબની છોળો ઉડાડાઈ હતી. ત્યારે નગરના માર્ગોએ ઠાકોરજીની શોભાયાત્રામાં ગુલાબી ચાદર ઓઢી દલ્હનની જેમ સજેલા ભાસતા હતા. વૈષ્ણવ ભકતોના જય જય શ્રી ગોકુલેશના નાદ સાથે ફગવા બગીચામાં હોળી રમવા માટે સવારના ૧૦.૩૦ કલાકે ઠાકોરજીએ પ્રારંભ કર્યો હતો. બપોરના અંદાજીત ૩થી ૪ હજાર વૈષ્ણવોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. આખો દિવસ શ્રી ઠાકોરજી બગીચામાં હોળી ઉત્સવનો અનેરો આનંદ લીધો હતો. ત્યારે બાદ સાંજે પાંચ વાગ્યાના સુમારે ઠાકોરજી બગીચાથી વૈષ્ણવો ધ્વારા નિજ મંદિર પરત ફર્યા હતા. ત્યારે ભક્તિભાવ અને રંગેચંગે ઉત્સવ સંપન્ન થયો હતો. 

વજન વધતા ઠાકોરજીને પરત ફરવું નહીં ગમતું હોવાની આસ્થા

બાલાસિનોરમાં ઠાકોરજી નિજ મંદિરેથી જે પાલખીમાં બિરાજે છે તે પાલખી બગીચા તરફ જતા અપરસ ગ્રહણ કરેલા વૈષ્ણવો દ્વારા પ્રણય કરતા જાણે ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય તેવો ભાવ આવે છે. પરંતુ બગીચાએથી નિજ મંદિર પરત ફરતા આ પાલખીનું વજન એટલું વધી જાય છે. જેને ઉચકવા આશરે ર૦થી રપ વૈષ્ણવો પણ થાકી જાય છે. આમ શ્રી ઠાકોરજી વર્ષમાં એક દિવસ બગીચે રમવા જાય જેમને પરત ફરવું ગમતું નથી. આવી આસ્થાનો આ વૈષ્ણવોના નિજ અનુભવથી જાણવા મળે છે.


Google NewsGoogle News