નડિયાદમાં 13 દુકાનો અંગે પાલિકા અવઢવમાં હોવાનો ભાડુઆતોનો દાવો
- સત્તાધીશો અને વહિવટી પાંખ કોર્ટમાં સોગંદનામુ કરે તેવી માંગ
- ભાડુ ભર્યાના પૂરાવા રજૂ કર્યા બાદ જાહેરહિત માટે દુકાનો ખાલી કરાવતા હોવાની પાલિકાની એફિડેવિટ
પાલિકાએ ૧૩ દુકાનો ખાલી કરવા માટે પહેલા ભાડુ બાકી હોવાની નોટીસો ફટકારી અને ભાડુઆતો દ્વારા ભાડુ ભર્યા અંગેના પુરાવા રજૂ કરતા નગરપાલિકાએ જાહેરહિતમાં રસ્તો પહોળો કરવાનો હોવાથી દુકાનો ખાલી કરાવતા હોવાની એફીડેવીટ કરાઈ છે. ત્યારે આ મામલે હવે દુકાનદારોએ આર-પારની લડાઈ આરંભી છે અને નડિયાદ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી પાંખને આ મામલે કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગણી કરી છે. નડિયાદ નગરપાલિકાના મુખ્ય રોડ સમા રેલવે સ્ટેશનની બહાર અને બસ સ્ટેન્ડની બાજુમાં નગરપાલિકાની ૧૩ દુકાનો આવેલી છે. આ દુકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકાએ છેલ્લા વર્ષ જેટલા સમયથી બીડુ હાથમાં લીધુ છે.
નગરપાલિકાએ આ દુકાનો ભાડાપેટે આપેલી હતી. જે ખાલી કરાવવા પ્રથમ નોટિસ આપી અને તેમાં નગરપાલિકાએ આ દુકાનોના ભાડા બાકી હોવાથી ખાલી કરાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી દુકાનદારો કોર્ટમાં ગયા અને ત્યાંથી નડિયાદ પ્રાંત અધિકારી સમક્ષ મામલો પહોંચતા, ત્યાં દુકાનદારો દ્વારા ભાડા ભર્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જ્યાં નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા આ દુકાનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના ભરચક વિસ્તારમાં આવેલી હોવાથી અને લોકોની અવર-જવર વધારે રહેતી હોવાથી તેમજ રોડ સાંકડો હોવાના કારણે પહોળો કરવા માટે આ દુકાનો ખાલી કરાવતા હોવાનું પ્રાંત અધિકારી સમક્ષ જણાવ્યું હતું.
આ મામલે હવે દુકાનદારોએ નગરપાલિકા પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યા છે, ભાડુઆતોએ જણાવ્યું છે કે, નગરપાલિકા દ્વારા દુકાનોની પાછળ સીટી બસ સ્ટેન્ડ અને તેની ઉપર કોમસયલ બાંધકામ કરી દુકાનો બનાવવાનું આયોજન ચાલે છે, આ દુકાનો ભ્રષ્ટાચાર આચરી પોતાના મળતીયાઓને પધરાવી દેવા માટે ટાઉનહોલની આસપાસની ૧૩ દુકાનો તોડી નાખવાના પ્રયાસ હાથ ધરાયા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ નગરપાલિકા પ્રશાસન ખુદ આ દુકાનો કેમ ખાલી કરાવવાની છે, તે અંગે માત્ર ચીફ ઓફીસર નહીં, પરંતુ હાલની ચૂંટાયેલી બોડી પણ આ મામલે કોર્ટમાં સોગંદનામુ કરી પોતાનો હેતુ સ્પષ્ટ કરે તેવી માંગણી કરી છે. ત્યારે હવે દુકાનદારો દ્વારા કરાયેલા આક્ષેપ મામલે નગરપાલિકા કોઈ ખુલાસો આપે છે કે કેમ? તે જોવું રહ્યું.