સિરપકાંડ : કોઈ વ્યક્તિને લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરે : જિલ્લા પોલીસ વડા
નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ વડાએ આજે બપોરે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે સમગ્ર ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે અમે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે અને ગતરોજ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ત્રણ વ્યક્તિઓની પૂછપરછમાં રાઉન્ડ અપ કરાયેલા વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારે બીજા બે વ્યક્તિઓ વડોદરાના છે જેમની પાસેથી તેઓ આ સીરપ મેળવતા હતા. હાલ ૩ પકડાયેલા ઈસમોના રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. આરોપી યોગેશ સિંધીએ પોલીસને જણાવ્યું હતું કે તે આ સિરપની બોટલ વડોદરાના નીતીન કોટવાણી અને ભાવેશ સેવકાણી પાસેથી લાવ્યા છે.
જે કેટલા અંશે તટસ્થ છે તે તો આ વડોદરાના વ્યક્તિઓની અટકાયત બાદ જ માલુમ પડશે અને તે બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ તો અમારી ટીમ દ્વારા આ વડોદરાના બંને વ્યક્તિઓને ટ્રેસ કરવાની કામગીરી ચાલી રહી છે.
અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જેમાં બિલોદરા ના ત્રણ અને મહેમદાવાદનો એક તેમજ બગડુનો એક હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં ગતરોજ મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામ નો યુવાન પણ છેલ્લા બે દિવસથી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ એ બેભાન હોય વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. અગાઉ બે એમ કુલ હાલ સુધીમાં ત્રણ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ નાના માં નાની ક્લિનિકમાં અમે તપાસ હાથ ધરી રહ્યા છે. કોઈ વ્યક્તિને પણ આવા સિમટમ્સ દેખાય તો તુરંત જિલ્લા આરોગ્ય વિભાગ અથવા તો પોલીસને જાણ કરે તેમ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે. મેડિકલ ટીમ દ્વારા પણ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં ઘણા વ્યક્તિઓએ આ સિરપ પીધેલું છે. પરંતુ સાત આઠ વ્યક્તિઓને જ અસર થઈ છે ત્યારે આ સિરીપ માં કોઈ પીનાર વ્યક્તિએ મિલાવટ કરી હતી કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે અને નજીકના દિવસોમાં જ સમગ્ર નેટવર્કનો અમે પર્દાફાશ કરીશું.
યોગેશ, કિશન અને ઈશ્વરના 10 દિવસના રિમાન્ડ
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજે પકડાયેલા ત્રણ આરોપીઓને નડિયાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે યોગેશ સિંધિ, કિશન સોઢા અને ઈશ્વર સોઢાને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. જ્યાં કોર્ટે ગુનાની ગંભીરતા જોઈને ત્રણેય આરોપીઓના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
રાજ્યના અન્ય શહેરોમાં પણ ત્રિપુટી સામે ગુનો નોંધાયો
વડોદરાના નીતિની કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત આરોપી છે. અગાઉ નકલી સેનેટાઈઝર સહિતના પ્રકરણોમાં તેની ધરપકડ કરાઈ હતી. એટલુ જ નહીં, પરંતુ નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી અને યોગેશ સિંધિ સામે અગાઉ પણ સિરમકાંડને લઈને પણ ફરીયાદ નોંધાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. ત્યારે વડોદરા સહિત અન્ય શહેરોમાં આ ત્રિપુટી સામે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યુ છે.