ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો 1 - image


- બપોરે બે કોમના ટોળા સામસામે આવી ગયા, તંગદિલી વચ્ચે ભારે નાસભાગ મચી

- એક પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓ અને ચાર શ્રદ્ધાળુંઓ ઇજાગ્રસ્ત, તંગદિલી વચ્ચે કરફ્યૂ લગાવાયો

ઠાસરા, નડિયાદ : શ્રાવણના અંતિમ દિવસે શુક્રવારે બપોરે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શિવજીની નગરયાત્રા નીકળી હતી. શિવ મંદિરથી નીકળેલી આ નગર યાત્રા તીન બત્તી વિસ્તાર નજીક આવતા અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક પીએસઆઇ તેમજ બે પોલીસ કર્મચારીઓ તેમજ મહિલા સહિત ચાર શ્રદ્ધાળુઓને ઈજા થઈ હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઠાસરા દોડી ગયા હતા. અને સ્થિતિને નિયંત્રણમાં લઈને નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. 

ઠાસરા તાલુકામાં દર સાલ પરંપરાગત રીતે શ્રાવણી અમાસના દિવસે શિવ મંદિરથી શોભાયાત્રા નીકળે છે. દોઢ મીટરના વિસ્તારમાં શિવજી નગર ચર્યાએ નીકળતા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરથી બપોરે ૧૨.૦૦ વાગ્યે નીકળેલી શોભા યાત્રામાં સ્થાનિક પોલીસ અને ડિવિઝન પોલીસનો બંદોબસ્ત હતો.

 શિવજીની નગરયાત્રા તીનબત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે કેટલાક તત્વો દ્વારા શ્રદ્ધાળુઓ ઉપર છુટ્ટી ઇંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેને લઈને થોડાં સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. હાજર પોલીસ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે આ પથ્થર મારામાં એક પીએસઆઇ અને બે પોલીસ કોન્સ્ટેબલને ઈજા થતા તેમજ અન્ય શ્રદ્ધાળુઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાને પગલે જિલ્લામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઠાસરા દોડી ગયા હતા. જ્યાં સ્થિતિ નિયંત્રણમાં લેવાની સાથે સાથે નગરમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા નગરજનોને અફવા ઉપર ધ્યાન ન આપવાની અપીલ કરવાની સાથે સાથે ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું. પથ્થરમારાની આ ઘટના સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ છે. જેને લઈને હાલમાં પોલીસ દ્વારા કાયદોને વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરનાર ઇસમોની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં શુક્રવારે શ્રાવણની  અમાસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરે ૧૨.૦૦ વાગે ઠાસરા નાગેશ્વર મહાદેવ મંદિરથી ડીજેના તાલે નાગેશ્વર મહાદેવથી સમસ્ત ગામજનોની હાજરીમાં શોભાયાત્રા નીકળી હતી . 

જે નાગેશ્વરથી ભાથીજી મંદિર, રામ ચોક,ગોધરા બજાર, ટાવર બજાર, હુસેની ચોકથી યુનિયન બેંકના ખાંચોમાંથી શોભાયાત્રા ચુસ્ત સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી.બપોરના સાડા ત્રણ ની આજુબાજુ શોભાયાત્રા મોટા સૈયદ વાળા, તીન બત્તી આવતા બંને જુથના યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલીની બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતાજોતામાં પથ્થરમારો શરૂ થઇ ભારે નાસભાગ મચી જવા પામી હતી.

જેમાં કેટલાક પોલીસ જવાનોને પણ ઇજાઓ થઇ હતી. બજારો બંધ થઇ ગયા હતા. એસટી ડેપો પણ બંધ કરી દેવાયો હતો. ભયના માહોલ વચ્ચે શોભાયાત્રામાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થતા જ જિલ્લાભરની પોલીસને ઠાસરામાં ખડકી દેવાઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને સમગ્ર ઠાસરમાં કરફ્યું લાદી દેવામાં આવ્યો હતો. પોલીસે ફૂટપેટ્રોલિંગ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

ખેડા જિલ્લા એસપીરાજેશ ગઢીયા,ડીવાયએસપી બાજપાઈ અને પીઆઈ તેમજ ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ જવાનો ઠાસરામાં દોડી આવ્યા હતા. અને સ્થિતિ કાબુમાં લીધી હતી.


Google NewsGoogle News