Get The App

ટાયર ફાટતા એસટી બસ ફંગોળાઇ રિક્ષાનો કચ્ચરઘાણ, એકનું મોત, 6 ઘાયલ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ટાયર ફાટતા એસટી બસ ફંગોળાઇ રિક્ષાનો કચ્ચરઘાણ, એકનું મોત, 6 ઘાયલ 1 - image


- નડિયાદ-ડાકોર રોડ ઉપર સલુણ ગામ પાસે અકસ્માત સર્જાયો

- બેકાબૂ બસ ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં રિક્ષાને ટકરાઇ દિવાલમાં ઘૂસી ગઇ

નડિયાદ : નડિયાદ ડાકોર રોડ ઉપર શુક્રવારે સવારે સલુણ નજીક એસટી બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ ડીવાઈડર કુદાવી રોંગ સાઈડ પર જઈ રીક્ષા સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા બસ ડ્રાઈવર અને રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. જે પૈકી વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

નડિયાદ બસ સ્ટેશનમાંથી શુક્રવારે સવારે ૧૧ કલાકે ડાકોર ડેપોની બસના ડ્રાઇવર લાલાભાઇ ભાઇજીભાઇ સલાટ નડિયાદથી ડાકોર એસટી બસ હંકારી જઈ રહ્યા હતા. આ એસટી બસ ડાકોર તરફ જઈ રહી હતી આ દરમિયાન સલુણ નજીક અચાનક એસ.ટી બસ નું ટાયર ફાટતાં બસ ચાલકે કાબુ ગુમાવતા એસટી બસ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે જઈ નડિયાદ તરફ જતી રીક્ષા સાથે અથડાતા રીક્ષાનો ભૂક્કો બોલાઈ ગયો હતો. આ એસટી બસ રિક્ષા સાથે અથડાયા બાદ રોડ ઉપરથી ઉતરીને સિમેન્ટના પાટિયા મારેલી દિવાલ તોડી ખુલ્લા પ્લોટમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી રિક્ષામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢયા હતા અને ૧૦૮ મારફતે સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ૬ જેટલા મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. આ અકસ્માતમાં ઉજમબેન ચંદુભાઈ સોઢા પરમાર (રહે. માઘરોલી, ઉંમર વર્ષ ૬૮) નું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે બસ ડ્રાઈવર લાલાભાઇ સલાટ (ઉંમર વર્ષ ૪૪ રહે.પોરડા ભાટેરા તા. કઠલાલ)ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા થાપામાં ફેક્ચર થયું હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ થતાં નડિયાદ એસટી ડેપોના અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News