નડિયાદમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા. 1.76 લાખની મત્તા ચોરી ગયા
- પવનચક્કી પૃથ્વી પાર્ક સોસાયટીની ઘટના
- પરિવાર હોસ્પિટલ ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સો સોના- ચાંદીના દાગીના, રોકડ લઈ પલાયન
નડિયાદ : નડિયાદ પવનચક્કી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા પરિવારજનો બિમાર સંબંધીની સારવારમાં રોકાયેલા હતા. દરમિયાન બંધ મકાનનો નકૂચો તોડી તસ્કરો રૂ.૧,૭૬,૩૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ પવનચક્કી વિસ્તારમાં પૃથ્વી પાર્ક સોસાયટીમાં અપતભાઈ કિરીટભાઈ પટેલના ભાઈ બીમાર હોવાથી પરિવારજનો ઘર બંધ કરી હોસ્પિટલે ગયા હતા.
દરમિયાન તા.૨૧/૧૦/૨૪ની રાત્રિના દોઢ વાગ્યાના સુમારે કોઈ તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ઘરમાં માલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. કબાટના લોક તોડી સોનાની ચેન, સોનાનું મંગલ સૂત્ર મળી કુલ ત્રણ તોલાના દાગીના રૂ.૧,૭૦,૭૦૦ તેમજ ચાંદીની લકી, ચાંદીની વીંટી તેમજ રોકડ રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૧,૭૬,૩૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે અપતભાઇ કિરીટભાઈ પટેલની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.