Get The App

બે લાખના ત્રણ ગણા આપવાનું કહી પરિએજના યુવક સાથે ઠગાઈ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
બે લાખના ત્રણ ગણા આપવાનું કહી પરિએજના યુવક સાથે ઠગાઈ 1 - image


- રૃપિયા મળ્યા બાદ મોબાઈલ બંધ કરી દીધો

- વડનગર અને ખેરાલુના ત્રણ શખ્સો વિરૃદ્ધ લીંબાસી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ

નડિયાદ : માતર તાલુકાના પરીએજ ગામના ઇસમને રૃ.૨ લાખના ત્રણ ગણા રૃ.૬ લાખ આપવાની લાલચ આપી વડનગર અને ખેરાલુના ત્રણ ઈસમોએ વિશ્વાસ ઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ત્રણ ગઠિયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના પરીએજ ગામમાં રહેતા સચિનભાઈ હિતેશભાઈ મકવાણા તેમના દેથળીના મિત્ર વિરેન્દ્ર ઉર્ફે કિરણ વીરસિંગ રાઠોડની ગાડીમાં તા ૨૨/૭/૨૪ના રોજ અંબાજી મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી આવતી વખતે સતલાસણા રોડ ઉપર ચા પાણી કરવા ઊભા હતા. ત્યારે વિરેન્દ્રભાઈ રાઠોડના મિત્ર ચેતન વિનુજી ઠાકોર રહે. મલેકપુર તા. ખેરાલુવાળાનો સંપર્ક થયો હતો. જેથી તેઓએ સચિન મકવાણાનો નંબર લીધો હતો. 

ત્યારબાદ સચિન મકવાણાને ચેતન ઠાકોર અવારનવાર ફોન પર વાતચીત કરતો હતો. આમ વિશ્વાસમાં લઈ ચેતનભાઇ વિનુજી ઠાકોરે સચિનભાઈ મકવાણાને તમારી પાસે રૃ. બે લાખ રૃપિયા હોય તો અમને આપો તો તમને ત્રણ ગણા રૃપિયા પાછા આપવાની લાલચ આપી હતી. જેથી ચેતનભાઇ ઠાકોરે તા.૪/૮/૨૪ના રોજ વૌઠાનો મેળો હોય ત્યાં તેઓ આવનાર છે તેમ કહી સચિનભાઈ મકવાણાને પાલ્લા પુલ ઉપર બોલાવ્યા હતા. જ્યાં સચિનભાઈ મકવાણાએ ચેતનભાઇ ઠાકોર તેમજ સોમાજી રૃપાજી ઠાકોરને બે લાખ આપ્યા હતા. 

આ પૈસા બીજા દિવસે ત્રણ ગણા એટલે કે, છ લાખ રૃપિયા આપવાનું વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ સચિનભાઈ મકવાણાએ ચેતન વિનુજી ઠાકોરને ફોન કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ બનાવ અંગે સચિનભાઈ હિતેશભાઈ મકવાણાની ફરીયાદના આધારે લીંબાસી પોલીસે ચેતન વિનુજી ઠાકોર રહેવાસી મલેકપુર તા. ખેરાલુ, પ્રહલાદજી અમરતજી ઠાકોર તથા સોમાજી રૃપાજી ઠાકોર બંને રહે. બારીયા તા. વડનગરવાળા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News