મહેમદાવાદ રેલવે ગરનાળા પાસે બે દિવસથી ગટર ઉભરાતા હાલાકી
- મચ્છી માર્કેટથી આસ્થા સોસાયટી તરફની સ્ટ્રીટલાઈટો બંધ
- પશ્ચિમ વિસ્તારના રહિશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર : ચોમાસા પહેલા ગટરોની સફાઈ કરાવવા માંગણી
મહેમદાવાદ શહેરમાં રેલવે ગરનાળામાં ગટરના પાણી ભરાવાની સમસ્યા નગરજનો માટે માથાનો દુખાવો બની છે. મહેમદાવાદમાં રેલવે ગરનાળા નજીક આવેલી ગટર છેલ્લા બે દિવસથી ઉભરાઈ રહી છે. આ ગટરના ગંદા પાણી રોડ ઉપર ભરાઈ જતા લોકોને ગંદુ પાણી ડહોળી અવર જવર કરવાની ફરજ પડી રહી છે. રેલવે ગરનાળા નજીક ઉભરાતી ગટરના કારણે શહેરમાંથી એમજીવીસીએલ, શાળા, કોલેજ તેમજ સોસાયટી વિસ્તારના લોકોને અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ગટરના ગંદા પાણીના કારણે લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉભરાતી ગટરો પાલિકા અને નગરજનો માટે શિરદર્દ બની છે. ગટરોની સાફ સફાઈ કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાને કારણે છાશવારે ગટરો ઉભરાતી હોય છે. ઉપરાંત મચ્છી માર્કેટથી આસ્થા સોસાયટી રોડ પર સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટો વહેલી તકે ચાલુ કરવા તેમજ આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે શહેરમાં ગટરોની વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે તેવી નગરજનોમાંથી માગણી ઉઠવા પામી છે.