મહુધા કન્યા શાળા અને આંગણવાડી પાસે જ ગટરના ગંદા પાણી ફરી વળ્યા
- રજૂઆત છતાં પાલિકાતંત્ર નિંદ્રાધિન
- દુર્ગંધ મારતા ગટરના પાણી પાસે જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર : રોગચાળો ફેલાવાની ભીતિ
મહુધા : ખેડાના મહુધામાં કન્યા શાળા અને પાંચ આંગણવાડી પાસે જ ગટરના ગંદા પાણી ફરી વળવાના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ સંદર્ભે રજૂઆત કરવા છતાં પાલિકાતંત્ર હજુ રોગચાળો ફેલાવાની રાહ જોઈ રહ્યું હોય તેમ નિંદ્રાધિન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે.
મહુધા તાલુકા મથક ખાતે આવેલી પે-સેન્ટર શાળાની પાછળ પ્રાથમિક કન્યા શાળા તેમજ પાંચ જેટલી આંગણવાડીમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે.
મહુધામાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અમલી કરાઈ છે. ત્યારે કન્યા શાળા નજીક પાઇપોમાં ભંગાણ પડેલા છે. બીજી તરફ તૂટેલા રોડનો કાટમાળ ગટરોમાં ઠાલવી દેતા ગટરો ચોકઅપ થવાના કારણે શહેર સહિત કન્યા શાળા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ મારતા ગંદાપાણી ફરી વળ્યા છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ચેડાં અટકાવવાની માંગણી સાથે મહુધા પાલિકા તંત્રને કન્યા શાળાના આચાર્યાએ લેખિત રજૂઆત કરી છે. છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી.