ઠાસરાના હુસૈની ચોકમાં ખૂલ્લી ગટરના કારણે અકસ્માતનો ભય
- મુખ્ય રસ્તો હોવા છતાંય પાલિકા એક ઢાંકણું નાંખી શકતું નથી
- ઢાંકણું નાંખવાને બદલે પાલિકાએ ગટર ઉપર ટેન્કર આડું મૂકી સંતોષ માન્યો
આ રસ્તા ઉપરની હુસેની ચોકમાં જાહેર રસ્તા ઉપરની ખુલ્લી ગટરમાં ગઈકાલે શનિવારે એક ડી.જે. આઈસર ટેમ્પોનું ટાયર આ ખુલ્લી ગટરમાં ફરાઇ ગયું હોવાનું સ્થાનિક નાગરિક મુસ્તુફા મલેકે જણાવ્યું હતું.
ઠાસરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ગટરના ફોટા પાડીને પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા. નગરપાલિકાનું પાણીનું ટેન્કર ખુલ્લી ગટર ઉપર હાલ કામચલાઉ ધોરણે મુકવામાં આવ્યું છે.
જેના કારણે એસટી બસોને રસ્તા પરથી નીકળવામાં હાલાકી પડી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ રસ્તો ૩૫થી વધુ ગામોનો મુખ્ય રસ્તો છે. ઠાસરા અને કઠલાલ તાલુકાને જોડતો મુખ્ય રસ્તો નગરપાલિકાના વોર્ડ નંબર ૧ અને ૨માંથી પસાર થાય છે. ઠાસરા વોર્ડ નંબર બેમાં રહેતા જાગૃત નાગરિક જણાવે છે કે ઠાસરા નગરપાલિકામાં વિરોધ પક્ષના હોવાથી વિકાસના કામોનો વિકાસ થતો નથી. રહીશો હાલાકી ભોગવી રહ્યા છે છતાંય પાલિકા એક ગટરનું ઢાંકણું નાંખી શકતી ન હોવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.