મહુધામાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
- કઠલાલના યુવકો ઉપર હુમલા મુદ્દે
- ઉપયોગમાં લીધેલા હથિયારો જપ્ત કરાયા : ઝડપાયેલા 12 શખ્સોના રિમાન્ડ પૂરા થતાં બિલોદરાની જેલ હવાલે
મહુધામાં શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મુકવા મુદ્દે ૨ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી પરત જઈ રહેલા કઠલાલના ત્રણ યુવકો ઉપર લઘુમતિ સમાજના ટોળાએ હુમલો કર્યો હતો. આ મામલે મહુધા પોલીસે ૩૮ સામે નામ જોગ અને અન્ય ૧૦૦ના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે પોસ્ટ મુકનારા બે અને હુમલો કરવામાં શામેલ ૧૦ મળી કુલ ૧૨ શખ્સોને ઝડપી પાડયા હતા. તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
ત્યારે બુધવારે શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તમામ શખ્સોને બિલોદરાની જેલ ખાતે મોકલી આપ્યા હતા.
તેમજ નડિયાદ ગ્રામ્ય પોલીસે શખ્સોને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. શખ્સોને સાથે રાખી પોલીસે ધોકા, દંડા સહિતના મારક હથિયારો કબજે કર્યા હતા. તેમજ રિમાન્ડ દરમિયાનની પુછપરછના આધારે અન્ય આરોપીઓનો તાગ મેળવવાનો શરૂ કર્યો છે.