નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી
- બહેને ભાઈને શુભ મુહૂર્તમાં રાખડી બાંધી
- ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધી મુજબ જનોઇ ધારણ કરી
નડિયાદ : સોમવારને શ્રાવણી પૂનમે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેને ભાઈના કલાઈ પર રાખડી બાંધી હતી. શુભ મુહૂર્તમાં આ રાખડી બાંધી આર્શીવાદ લીધા હતા. તો શાળા સહિત સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળના દિવસે આ પર્વની ઉજવણી કરી છે.
નડિયાદ સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકોએ મોટા બજારોમાં સપ્તાહથી જ રાખડીઓના સ્ટોલ ખુલી ગયા હતા. તો વળી, છેલ્લા બે દિવસથી મિઠાઈનું પણ ધૂમ વેચાણ ચાલ્યુ હતુ. આજે ખેડા જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા જેલ બિલોદરા ખાતે પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં બહેને ભાઈને મળવા આવતાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા છે. તો વળી શહેરમાં આવેલ સામાજીક, સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ દિવસની ખાસ રીતે ઉજવણી કરી છે. જ્યારે કેટલીક શાળાઓમાં તો આ પર્વના આગળના દિવસે જ ઉજવણી કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જિલ્લા ભરમાં ભૂદેવોએ શાોક્ત મંત્રોચ્ચાર સાથે જનોઈને બદલી હતી. નડિયાદ, ઠાસરા, કપડવંજ, માતર સહિતના તાલુકા મથકોએ બ્રાહ્મણોએ સામૂહિક રીતે જનોઈ બદલી હતી. નડિયાદના પીપલગ ખાતે વાડીનાથ મહાદેવમાં બ્રાહ્મણોએ જનોઈ બદલી હતી.