પુરપાટ આવતી ટ્રક લાકડાં ભરેલા ટ્રેક્ટર સાથે ટકરાઇ, 2 નાં મોત
- નડિયાદ પાસે નેશનલ હાઇવે પર સોમવારે સવારે દુર્ઘટના બની
- ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરના બે ભાગ થઇ ગયા, ટ્રક મુકી ચાલક ફરાર
નડિયાદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પીજ ચોકડી સવસ રોડ ઉપરથી સોમવારે વહેલી સવારે ૫ વાગ્યાના સુમારે ચાંગાના જયેશભાઈ ચંદુભાઈ પટેલની માલિકીના ટ્રેક્ટરમાં લાકડા ભરી હંકારી હબીબમિયાં મલેક નડિયાદ કમળા ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ટ્રક ધડાકાભેર લાકડા ભરેલ ટ્રેક્ટરની ટોલી સાથે અથડાયું હતું .
જેથી ટ્રેક્ટર અને ટ્રોલી અલગ થઈ રોડ પર પલટી ખાઈ જવા પામ્યા હતા. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. આ અકસ્માત સર્જાતા ટ્રેકટરના ચાલક હબીબમિયાં અલાઉદ્દીનમીયાં મલેક (ઉંમર આશરે ૪૫ વર્ષ) રહે. ચાંગા, તાલુકો પેટલાદ તથા અર્જુનભાઈ મનુભાઇ સોલંકી (ઉમર ૨૫ વર્ષ)નું ટ્રેક્ટર પરથી નીચે પટકાતા લાકડા નીચે દબાઈ ગયા હતા. જેથી આ બંનેનું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતા નડિયાદ પશ્ચિમ પોલીસ, વસો પોલીસ તેમજ હાઈવે પેટ્રોલિંગની ગાડી તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને ઇસમોની લાશનો કબજો લઈ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મહેબૂબમિયાં અલાઉદ્દીનમિયાં મલેક ની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.