બાલાસિનોરની શાળામાં શિક્ષિકાની છેડતી બદલ આચાર્યની ધરપકડ
- બિભત્સ માંગણી કરાતા શિક્ષિકા હેબતાઇ ગઇ
- છેડતી કરનાર આચાર્ય વિરૂદ્ધ શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી
બાલાસિનોર : બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શિક્ષિકાની છેડતી કરાયાની પોલીસ ફરિયાદ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે આરોપી આચર્ય એ.યુ.શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગઇકાલે સવારે શાળામાં પરીક્ષાના ચાલી રહી હતી તે સમયે શિક્ષિકા વિદ્યાર્થીઓની હાજરી પુરી રહ્યા હતા ત્યારે ક્લાસરૂમમાં આવી ચઢેલા આચાર્યએ તક જોઇને શિક્ષિકાની છેડતી કરી હોવા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એચ ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા એ.યુ.શેખ દ્વારા શિક્ષિકાને અપશબ્દો બોલી, બિભત્સ માંગણીઓ કરીને , ગંદી નજરે જોઇને હેરાન કરવામાં આવતી હોવા અંગેનો ફરિયાદમાં શિક્ષિકા દ્વારા ઉલ્લેખ કરાયો છે.
શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે હાલ આરોપી આચાર્યની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ આરોપી આચાર્ય દ્વારા અગાઉ એક શિક્ષકને સાવરણીથી માર માર્યો હોય અને તે બાબતે ભારે વિવાદ થયો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.