નડિયાદમાં પડેલા ખાડાઓ અંગે માર્ગ મકાન વિભાગને રજૂઆત

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
નડિયાદમાં પડેલા ખાડાઓ અંગે માર્ગ મકાન વિભાગને રજૂઆત 1 - image


- કોંગ્રેસ નેતાએ તંત્રને પત્ર લખ્યો 

- અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ  

નડિયાદ : નડિયાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે અનેકવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા લોકો રોષે ભરાયા છે. જેથી ખાડા બાબતે નડિયાદ કોંગ્રેસ  શહેર પ્રમુખ દ્વારા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને જાણ કરવામાં આવ્યા બાદ અમિત ચાવડા દ્વારા આ બાબતે માર્ગ મકાન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.

નડિયાદ શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓ પડયા છે. આ ખખડધજ રસ્તાઓ પરથી પસાર થત વખતે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ક્યારેક ખાડાઓના કારણે અકસ્માત સર્જાતા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ જોખમી ખાડાઓ અંગે અનેકવાર તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, તથા કોન્ટ્રાક્ટરો સાથે તંત્રના અધિકારીઓની મીલિભગત હોવાનો આક્ષેપ રોષે ભરાયેલા સ્થાનિકોએ  કર્યો છે. 

ખાડાઓના કારણે સગર્ભા, દર્દીઓ, વિદ્યાર્થીઓ, વડીલો સહિતના શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડાઓના પુરાણ બાબતે તથા રસ્તાના સમારકામ  બાબતે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ના હોવાથી નડિયાદ કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને અમિત ચાવડા દ્વારા માર્ગ મકાન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. 


Google NewsGoogle News