યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ
- અગાઉની ફરિયાદોને આધારે વિવિધ કચેરીઓને તાકિદ કરાઈ
- જિલ્લા કલેક્ટરે ડાકોરની મુલાકાત લઈ યાત્રાળુ રૂટની સમીક્ષા બાદ પાલિકા અને પોલીસ તંત્રને સૂચનો કર્યા
ખેડાજિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળો ગણતરીના દિવસોમાં ભરાશે. જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના ઠાકોરજીના દર્શનાર્થે ઉમટી પડશે. ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અમિત કુમાર યાદવે જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓની બે વખત મીટિંગ બોલાવી હતી.
ત્યારે આગામી હોડી પૂનમના મેળાના આયોજનમાં આગાઉ પદયાત્રીને કેવા પ્રકારની સુવિધાઓ, કઈ કઈ કચેરી દ્વારા આપવામાં આવી હતી અને તેમાં શું ફરિયદો ઉઠી હતી તે બાબતો પર ચર્ચા કરાઈ હતી.
તેમજ તમામ કચેરીઓમાં યોગ્ય તકેદારી પૂર્વક આયોજન કરવામાં આવે તેવા સૂચનોની સૂચિપત્રિકા મોકલી અપાઈ હતી.
જિલ્લા કલેકટરે ડાકોરની મુલાકાત લઈ પૂનમનો યાત્રાળુ રૂટ ચેક પણ કર્યો હતો. બાદમાં ડાકોર નગરપલીકાના ચીફ ઓફિસર અને ડાકોર પીઆઈને સાથે રાખી આવનાર યાત્રાળુઓને કોઈ હાલાકી ના ભોગવવી પડે તે માટે સૂચનો કર્યા હતા.
આગામી દિવસોમાં ડાકોરમાં સફાઈ, દબાણ, માર્ગદશકાના બોર્ડ, દર્શન માટેના સમય પત્રિકાના બોર્ડ, પીવાના પાણીની સુવિધા, ઢોરપકડવાની કામગીરી, ગોમતીજીના કિનારાઓની સફાઈ તથા બેરીકેટિંગ અને ડાકોરમાં પ્રવેશવના માર્ગો બંધ રાખવાના જાહેરનામા બહાર પડવાના કામો તથા ડાકોરમાં ભકતોનો ધસારો વધી ના જાય તે માટે પોલીસ સ્ટેશનથી મંદિર સુધીના રસ્તાઓ પર આળબંધ નાખવાના કામોનું આયોજન કરવા માટે બેઠક બાદ સૂચિપત્ર બહાર પાડી ડાકોર ટેમ્પલ કમિટી સહિત લાગતા વળગતા તમામ વિભાગોને મોકલી અપાયું હતું.