નડિયાદમાં માઘી પૂર્ણિમાએ ભરાતા મેળાની તડામાર તૈયારીઓ શરૂ
- વિવિધ રાઈડ્સ અને સામગ્રીના સ્ટોલ લાગ્યા
- સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ અને પૂનમ નિમિત્તે સાકરવર્ષાની પરંપરાગત રીતે ઉજવણી થશે
નડિયાદના સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આગામી તા. ૨૪મીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે. આ મહાપૂનમના દસ દિવસ પહેલાથી જ નડિયાદ સંતરામ મંદિરમાં અનેક ધામક અને ભક્તિમય કાર્યક્રમો ચાલી રહ્યા છે. હવે આગામી દિવસોમાં આજે ૨૦મીએ સંગીત ભક્તિસંગીત ગરબા અને ૨૩મીએ સવારે ૭ વાગે સમૂહમાં ગુરુ પાદુકા પૂજન, ૨૪મીએ માઘીપૂનમે સાંજે ૬ વાગે દિવ્ય આરતી અને સાકર વર્ષા યોજાશે. સંતરામ મંદિરમાં કોઈ મૂત કે છબી નહીં, પરંતુ અખંડ દીપ જ્યોત અને સમાધિ સ્થાનની ભક્તિ થાય છે. વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના સાનિધ્યમાં મહા સુદ પૂનમના દિવસે ભવ્ય સાકરવર્ષા કરી ઉજવણી કરાશે. જેનો લાભ લાખો શ્રદ્ધાળુઓ લેશે.
શહેરના પારસ સર્કલની આસપાસ આવેલા બે ગ્રાઉન્ડમાં મેળામાં આવેલી નાની-મોટી રાઈડો બાંધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તો સંતરામ મંદિરના ચોગાનમાં પણ વિવિધ સ્ટોલના મંડપો બાંધી દેવાની કામગીરી આરંભી દેવાઈ છે. પૂનમ વખતે નડિયાદમાં જ ત્રણથી ચાર મોટા ગ્રાઉન્ડમાં સંતરામથી માંડી પારસ સર્કલ સુધી વિશાળ મેળો ભરાશે. મોટા ગ્રાઉન્ડમાં અનેકવિધ રાઈડ્સ ઉભી કરાશે. જે માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.