નડિયાદ સંત રામેશ્વર રોડ પર પડેલા ખાડા વાહન ચાલકો માટે જોખમી
- રોડ જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ
- બિસ્માર રસ્તાઓના સમારકામના પાલિકાના વાયદા પોકળ પુરવાર થયા
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરના અત્યંત બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવાનું જાહેર કર્યાને ઘણો સમય થવા છતાં શહેરના મોટાભાગના રસ્તાઓ ધૂળિયા રસ્તાને શરમાવે તેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે નગરજનો, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ત્યારે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં સરદાર બ્રિજના છેડેથી ડુંગા કુઈ સંતરામેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ થઈ વૈશાલી તરફ જતો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ રોડ પર સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. આ ઉપરાંત પીપલગ રોડ તરફના વાહનોની આ રોડ પરથી સતત અવરજવર રહે છે.
ત્યારે હાર્દ સમા રોડ પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયા હોઇ આ રોડ સ્થાનિક રહીશો માટે માથાનો દુઃખાવો બન્યો છે. ત્યારે આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરવામાં પાલિકા તંત્ર દ્વારા ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે સરદાર બ્રિજના છેડેથી સમતા પાર્ટી પ્લોટ સામે સંતરામેશ્વર રોડનું વહેલી તકે સમારકામ કરવા લાગણી આપી છે.
બિસ્માર રસ્તાના સમારકામની ગ્રાન્ટમાંથી પ્રમુખ માટે નવી ગાડીની ખરીદીનો આક્ષેપ
નડિયાદ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હાર્દિક ભટ્ટએ શહેરના રસ્તાઓના સમારકામ માટે રૂ. એક કરોડ જેટલી માતબર રકમ મંજૂર થઈ હતી. જે પૈકી ખાડા પૂરવા રોડા નાખવા પાછળ રૂ. દસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, મોટા ભાગના રસ્તા હજુ બિસ્માર હાલતમાં જોવા મળે છે. રસ્તાના સમારકામની એક કરોડની ગ્રાન્ટના નાણાંમાંથી પાલિકા પ્રમુખની નવી ગાડી વસાવવા પાછળ આંધણ કરવામાં આવ્યું હોવાનો હાર્દિક ભટ્ટે આક્ષેપ કરતા શહેરમાં ખળભળાટ વ્યાપી ગયો છે.