પોષી પૂનમ : નડિયાદના સંતરામ મંદિરે હજારો મણ બોરની ઉછામણી
- બાધા પુરી કરવા શ્રદ્ધાળુઓના ધાડેધાડા ઉમટી પડયાં
- શહેરના પારસ સર્કલ સહિતના રસ્તાઓ ઉપર ઠેરઠેર ભારે ભીડથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા ઃ બોરના ભાવમાં વધારો
નડિયાદ : નડિયાદમાં આજે પોષી પૂનમ નિમિત્તે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. શ્રી સંતરામ મંદિર ભક્તોના ઘોડાપૂર ઊમટી પડયું હતું.કોરોના નિમિત્તે બોરની ઉછામણી બંધ રાખી હોવાથી મંદિરમાં બોર ઉઘરાવવા માટે કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઢળતી બપોર સુધી શ્રદ્ધાળુઓ દ્વારા બાધાના બોર કાઉન્ટર પર આપવામાં આવ્યા હતા.સાંજ સુધીમાં મંદિરમાં સેંકડો કિલો બોરની મંદિરમાં ચઢામણી થઈ ગઈ હતી. પોષી પૂનમ બાધા પૂરી કરવા મંદિરના સંયોજકો દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બપોર પછીથી શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર પરિસરમાં પરવાનગી ન હોવાથી પટાંગણમાં પરંપરાગત રીતે બોરની ઉછામણી કરીને બાધા પૂરી કરવામાં આવી હતી.
શ્રી સંતરામ મંદિરમાં શ્રદ્ધાળુઓ મનોકામના પૂરી કરાવવા માટે પોષી પૂનમની બાધાનું મહત્વ છે. છેલ્લાં ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નડિયાદના સંતરામ મંદિરમાં બોરની ઉછામણી કરવામાં આવે છે. ગુજરાતભરના શ્રધ્ધાળુઓ પોષી પૂનમે શ્રીસંતરામ મંદિરની બાધા રાખી દર્શન માટે આવતા હોય છે. વળી આ પૂનમે ઘરેઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. બાળક બોલતું થાય એ માટે ભક્તો દ્વારા રાખવામાં આવેલી બાધા માટે બોરની ઉછામણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાને લીધે મંદિર પરિસરમાં બોરની ઉછામણીની વર્ષો જૂની પરંપરા બંધ રાખવામાં આવી હતી.
જો કે મંદિરના પ્રવેશ દ્વારે કાઉન્ટરો ગોઠવી દેવામાં આવ્યા હતા,જેના પર બાધા રાખનારા ભક્તોએ બોર અર્પણ કરી દેવામાં આવ્યા હતા. પ્રસાદમાં પણ આ વર્ષે સાકરને બદલે બોર આપવામાં આવ્યા હતા. ભક્તો માટે બોર સાથે પ્રસાદરૂપે મોરસની પણ વહેંચણી કરવામાં આવી હતી.વહેલી સવારથી જ સંતરામ મંદિરથી પારસ સર્કલ સુધીનો આખો રસ્તો ટ્રાફિકથી ભરચક જોવા મળ્યો હતો. સવારથી જ શ્રદ્ધાળુઓના ટોળા મંદિરે પરિસરમાં ઉમટી પડયા હતા. આજના દિવસે નડિયાદ સહિત ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુઓ બાધા પુરી કરવા માટે ઉમટી પડે છે.બપોર સુધી શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ તેમ ભક્તો પરંપરાગત રીતે બાધા પૂરી કરવા લાગ્યા હતા. મંદિર સંકુલના પટાંગણમાં જ ભક્તો ભાવપૂર્વક બોર ઊછાળવા લાગ્યા હતા. સાંજે તો મંદિરના મુખ્ય સંકુલ આસપાસના પટાંગણમાં ભક્તો દ્વારા દર વર્ષની જેમ બોર ઉછામણી થવા લાગી હતી. કોરોનાની મહામારીના કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા સરકારી ગાઈડલાઈન પ્રમાણે આયોજન કરાયુ હતુ.મંદિર સંકુલની બહારના પટાંગણમાં પણ ભક્તોએ બોર ઉછાળી આસ્થાપૂર્વક બાધાઓ પૂરી કરી હતી.
હજારો મણ બોરનું વેચાણ થયું
બોરના ભાવોમાં પૂનમને દિવસે ખાસ વધઘટ જોવા મળી ન હતી. સંતરામ રોડ પર દિવસભર ૪૦ થી ૫૦ રૂપિયે એક કિલોના ભાવે બોર વેચાઈ રહ્યા હતા.સારા વકરાને લીધે વેપારીઓના ચહેરા પર ઘણા દિવસે આનંદની લાગણી જોવા મળી હતી. પૂનમ નિમિત્તે નડિયાદવાસીઓ ઉપરાંત ગુજરાતભરના ભક્તોની પણ નડિયાદમાં પધરામણી થતાં બોર સિવાય પણ બજારોમાં દુકાનોમાં સારી ઘરાકી જામી હતી.દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા બજારમાંથી ખરીદી કરતા વેપારીઓની ધરાકી થઈ હતી.